ઓખા કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી
દ્વારકાઃ ઓખા કોસ્ટગાર્ડે ભારતીય સમુદ્રી સીમામાં ગેરકાયદે ઘુસણખોરી કરીને માછીમારી કરી રહેલી એક શંકાસ્પદ પાકિસ્તાની બોટને પકડી પાડવામાં આવી છે. બોટમાં સવાર 9 માછીમારોને ઓખા લઈ જઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રવિવારે કોસ્ટગાર્ડીની મીરાંબહેન શીપ ભારતીય જળસીમામાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન તેમને ભારતીય જળસીમામાં ગેરકાયદે રીતે પ્રવેશેલી એક પાકિસ્તાની બોટ દેખાતાં તેનો પીછો કરવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડે પાક બોટને આંતરીને પકડી પાડી હતી. મીરાંબહેન શીપમાં રહેલા ભારતીય જવાનો પાકિસ્તાની બોટને પકડીને ઓખા લાવ્યા હતા. પાકિસ્તાની બોટમાં 9 ખલાસી સવાર હતા.
પાકિસ્તાની બોટમાં રહેલા ખલાસીઓ માછીમાર છે કે પછી કોઈ આતંકવાદી પ્રવૃત્તિ માટે સરહદમાં પ્રવેશ્યા હતા તેના અંગે કોસ્ટ ગાર્ડ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જળસીમામાં પ્રવેશીને ગેરકાયદે ઘુસણખોરીના બનાવ અવાર-નવાર બનતા રહે છે.