PM મોદીના પાકિસ્તાની બહેને ટપાલ મારફતે રાખડી મોકલી, કરી આ પ્રાર્થના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પાકિસ્તાની બહેન કમર શેખે પ્રધાનમંત્રીને ટપાલ મારફતે રાખડી મોકલી. કમર શેખે રાખડીની સાથે પીએમ મોદીના આરોગ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના પણ કરી. 25 વર્ષથી તેઓ પીએમ મોદીને રાખડી બાંધે છે.
અમિત રાજપૂત, અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પાકિસ્તાની બહેન કમર શેખે પ્રધાનમંત્રીને ટપાલ મારફતે રાખડી મોકલી. કમર શેખે રાખડીની સાથે પીએમ મોદીના આરોગ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના પણ કરી. 25 વર્ષથી તેઓ પીએમ મોદીને રાખડી બાંધે છે.
કમર શેખ 25માં વર્ષે પણ પીએમ મોદીને રાખડી બાંધવા ઈચ્છે. તેમના કહેવા મુજબ પીએમ મોદીનો ફોન આવશે તો જરૂર દિલ્હી જશે. પીએમ મોદી એકદમ કોમન મેન છે અને ખૂબ કામ કરે છે. તેમણે કહ્યું કે મારી બે પાકિસ્તાની બહેનો પણ પીએમ મોદીને રાખડી બાંધવા માંગે છે. મારા પતિ અને પુત્ર બન્નેને પણ પીએમ મોદી ખૂબ પ્રેમ કરે છે.
કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં થયો હતો. 22 વર્ષની ઉમરમાં કમર શેખ લગ્ન કરીને ભારત આવી હતી. ત્યારબાદથી કમર શેખ છેલ્લા 38 વર્ષોથી ભારતમાં છે. કમર શેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છેલ્લા 24 વર્ષથી રાખડી બાંધે છે. અને 30 વર્ષોથી વડાપ્રધાન મોદીને ઓળખે છે.
(ફાઈલ ફોટો)
કમર શેખના પતિ મોહસિન શેખ આંતરરાષ્ટ્રીય પેઈન્ટર છે. તેઓ પણ પીએમ મોદીના કામકાજને છેલ્લા 30 વર્ષથી જુએ છે. કમર શેખે ક્યારેય રાજકારણમાં રસ લીધો નથી અને ક્યારેય પીએમ મોદીનો પ્રચાર કર્યો નથી. તેઓ પહેલીવાર બંગાળમાં પ્રચાર માટે 2019ની ચૂંટણી દરમિયાન ગયા હતાં. અલ્પસંખ્યક સમાજની ત્યાં સ્થિતિ જોઈને કમર વિચલિત થયા હતાં. તેમણે ત્યાંની પરિસ્થિતિ ખુબ દયનીય હોવાની વાત કરી હતી.
તેમણે એકવાર કહ્યું હતું કે પીએમ મોદી આવનારા દિવસોમાં અલ્પસંખ્યક સમાજ માટે માત્ર મોટી મોટી વાતો જ નથી કરતા પરંતુ કામ પણ કરશે એવો મને વિશ્વાસ છે. એક બહેન તરીકે કમર શેખે ક્યારેય પીએમ મોદીના નામનો દુરઉપયોગ કર્યો નથી. રમજાનના પવિત્ર મહિનામાં પીએમ મોદીની લાંબી ઉમર માટે અને જનતાને અપાયેલા વચનોને પૂરા કરવા તથા અલ્પસંખ્યકોના વિકાસ માટે કમર દુઆ કરી રહ્યાં છે.