મારા દીકરા ઉપર જ અમારું ઘર ચાલતું હતું... પાલનપુર બ્રિજ દુર્ઘટનામાં જુવાનજોધ દીકરાને ગુમાવનાર પિતાની આપવીતી
Palanpur Bridge Collapse : પાલનપુર બ્રિજ દુર્ઘટનામાં બે યુવકોનું મોત નિપજ્યુ... આ બંને યુવકો પોતાના પરિવારના આધારસ્તંભ હતા...
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : પાલનપુર આરટીઓ સર્કલ નજીક બે દિવસ પહેલા ઓવરબ્રિજના 6 સ્લેબ તુટી પડતા બે યુવાનોના કરુણ મોત નિપજતાં મૃતકના પરિવારજનોની હાલત કફોડી બની છે. ગરીબ પરિવારના યુવાનો મૃત્યુ પામતા પરિવારના લોકો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
પાલનપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા થ્રી લેયર એલિવેટેડ બ્રિજના કામકાજ દરમિયાન આરટીઓ સર્કલથી અંબાજી તરફ જતા ઓવરબ્રિજના 6 સ્લેબ તૂટી પડતા તેણી નીચે બ્રિજના સ્લેબના મલબામાં રિક્ષામાં દટાયેલો 30 વર્ષીય અજય શ્રીમાળીનું મોત નીપજ્યું હતું. તો રીક્ષામાંથી ઉતરીને ભાગીને બચવાનો પ્રયાસ કરતો 18 વર્ષીય યુવક મયુર ચાંદરેઠીયાનું પણ દટાવવાથી મોત નીપજ્યું હતું. બ્રિજ તૂટવાથી પાલનપુરના બે યુવકોના મોત નિપજતાં બ્રિજ બનાવનાર GPC ઈન્ફ્રા કંપનીના 7 ડિરેક્ટરો અને 4 એન્જિનિયરો સામે કલમ 304 અને 114 મુજબ ફરિયાદ નોંધાઈ છે. તો બીજી બાજુ તરફ બે યુવકો ગુમાવનાર ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે.
વાપીમાં 6 વર્ષની બાળકીની અપહરણ બાદ હત્યા : પોલીસ સ્ટેશનની બાજુમાંથી જ મળી લાશ
બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં રિક્ષામાં દટાઈને મોતને ભેટનાર મૃતક 30 વર્ષીય અજય શ્રીમાળી તેના ઘરનો આધાર સ્તંભ હતો. તેના પિતા લાંબા સમયથી બીમાર રહેતા હોવાથી અજય શ્રીમાળી ભાડાની રીક્ષા ચલાવીને તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જોકે તેની માતા પણ 6 મહિના પહેલા ગુજરી જતા પરિવાર દારુણ સ્થિતિમાં હતો. જોકે આ દુર્ઘટનામાં અજયનું મોત થઈ જતા તેની 2 વર્ષની દીકરી પણ નોંધારી બની છે અને તેના પરિવારનો આધાર સ્તંભ તૂટી જતા હવે નોંધારો બનેલો તેનો પરિવાર સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યો છે તો દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે.
મૃતક અજયના પિતા ખોડીદાસ શ્રીમાળીએ જણાવ્યું કે, મારા દીકરા ઉપર જ અમારું ઘર ચાલતું હતું હવે તેનું મોત નિપજતાં પરિવાર નોંધારો બન્યો છે. તો અજયની પત્ની નિરુબેન શ્રીમાળીએ જણાવ્યું કે, મારા પતિનું મોત થતા મારી 3 વર્ષની દીકરી નોંધારી બની છે અમારું બધું જ જતું રહ્યું સરકાર અમને સહાય આપે અને કસુરવારો સામે કડક કાર્યવાહી કરે.
પોરબંદરમાં બાળકીના ઈનામ મામલે ગરબા આયોજકોએ કરી પિતાની હત્યા
તો બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર 19 વર્ષીય મયુર ચાંદરેઠીયાનો પરિવાર પણ ખુબજ ગરીબ પરિવાર છે. તેના પરિવારે તેને મજૂરી કરીને ભણાવ્યો હતો અને હવે તે પોતાના પરિવારની મદદ કરવા પગભર બન્યો હતો. આ ઘટનામાં તેનું મોત નિપજતાં પરિવાર ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. જેથી પોતાનું સંતાન ગુમાવનાર તેની માતા અને પરિવારના લોકો આ ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
શ્રીમાળી પરિવાર કહે છે કે, અમારો દીકરો અમે ખોયો છે અમારું ગરીબ પરિવાર છે અમને ન્યાય અપાવો. મેં મારો દીકરો ગુમાવ્યો છે અમારે કોઈ સહાય નથી જોઈતી બસ સરકાર દોષિતોને કડક કાર્યવાહી કરે.
ભક્તોની આસ્થા પર ઉર્વશીએ મીઠું ભભરાવ્યું : સાધુ સમાજ રોષે ભરાયો