આ યુવક ઉત્તરાયણના બચેલા પતંગના દોરાના ગુચ્છા ખરીદી રહ્યો છે, બિરદાવવા જેવું છે તેનું સાહસ
- પશુપ્રેમ વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા શહેરમાં પડેલી દોરી એકત્ર કરવા માટે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો
- રૂ.50ના ભાવે દોરીનો ગુચ્છો ખરીદવામાં આવશે તેવો પ્રચાર કરી એક કોથળો ભરાય તેટલો દોરીનો ગુંછો ભેગો કરાયો
અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાના પાલનપુરના ધનિયાણા ચોકડી નજીક રહેતા એક યુવાન દ્વારા પક્ષીઓનો જીવ બચાવવા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ યુવક દ્વારા શહેરમાંથી ઉત્તરાયણમાં વપરાયેલ અને ઝાડ ઉપર ફસાયેલ દોરીના કિલોના રૂ.50ના ભાવે ગુચ્છો ખરીદી જીવદયાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યુ છે.
ઉત્તરાયણ પર્વના સમયગાળા દરમિયાન અનેક લોકો પક્ષીનો જીવ બચાવવાના પ્રયત્નો કરતા હોય છે. જેમાં પાલનપુર ઘનિયાણા ચોકડી ખાતે રહેતા અને પશુ આહારના વ્યવસાય સાથે સંકળાયેલા નિકુલ પટેલ દ્વારા રૂ.50ના કિલોના ભાવે શહેરમાંથી દોરીના ગુચ્છાની ખરીદી કરવામાં આવી હતી. આ અંગે નિકુલ પટેલે જણાવ્યુ હતુ કે, ઉત્તરાયણ બાદ લોકો દોરીના ગુચ્છાને ગમેત્યા ફેકી દેતા હોય છે. જેના કારણે કોઇ પક્ષીના પગમાં દોરી ફસાઇ જવાથી ઝાડ કે વીજ વાયરોમાં ફસાઇ જવાના કારણે પક્ષીઓનું તરફડી તરફડીને મોત નિપજતુ હોય છે. જેથી અમારા પશુપ્રેમ વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા શહેરમાં પડેલી દોરી એકત્ર કરવા માટે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી રૂ.50ના ભાવે દોરીનો ગુચ્છો ખરીદવામાં આવશે તેવો પ્રચાર કરી એક કોથળો ભરાય તેટલો દોરીનો ગુંછો ભેગો કરાયો હતો. આ તમામનો બાદમાં નાશ કરવામાં આવ્યો હતો. આમ, ભવિષ્યમાં પણ કોઈ જીવ તેમાં ફસાય નહિ તે રીતે જીવદયાનું કાર્ય કરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો : ત્રણ પ્રેમીઓના વચ્ચેના પ્રેમનો કરુણ અંજામ, એક પ્રેમીએ કરી પ્રેમિકાના બીજા પ્રેમીની હત્યા
આ વિચાર કેવી રીતે આવ્યો તે વિશે નિકુલ પટેલે જણાવ્યું કે, મારા પર ફોન આવતા તો હું આજુબાજુના વિસ્તારોમાં પક્ષીઓ ફસાયા છે. ત્યારે હું આ પક્ષીઓ બચાવવા જતો હતો. એક વિસ્તારમાં એક કબૂતર દોરીના ગૂંચડામાં ફસાયેલું હતું. મેં બચવવા પ્રયાસો કર્યા, પરંતુ તે તરફડીયા મારતું મોતને ભેટી ગયું અને મને આવો વિચાર આવ્યો કે, આવી રીતે અનેક દોરા શહેરભરમાં લટકેલા છે જ્યાં ભવિષ્યમાં કોઈ પણ પક્ષી ફસાઈ શકે છે. તેથી મેં દોરી ખરીદવાનો અભિગમ અપનાવ્યો.
આ પણ વાંચો : જન્મદિવસ પર યાદ કરીને ભાવુક થયા સુશાંતના ફેન્સ, બોલ્યા-પરત આવી જા યાર...
આમ, કરીને અત્યાર સુધી નિકુલ પટેલે રૂપિયા આપીને બદલામાં ઢગલાબંધ દોરાના ગુચ્છા ખરીદ્યા છે. તો સાથે જ આ દોરીને ખરીદીને તેનો તાત્કાલિક નાશ પણ કર્યો, જેથી તે કચરામા ન ઠલવાય. જોકે, નિકુલના આ સાહસમાં અનેક લોકો તેને સાથ આપી રહ્યાં છે. અનેક લોકો પોતાના આસપાસના વિસ્તારમાં, ઝાડ પર લટકતા ગુચ્છા જાતે કાઢી રહ્યાં છે. આમ લોકોમાં પણ અવેરનેસ આવી છે. દોરીના ગુચ્છા એકઠા કરીને આપવા આવનાર વનરાજ ઠાકોર નામના એક શખ્સે કહ્યું કે, મેં મારી સોસાયટી સહિતના વિસ્તારમાંથી ગૂંચડા એકત્રિત કર્યા છે અને આપવા આવ્યો છું.