ઝી મીડિયા/બ્યૂરો :"કાલથી ગામમા સરકાર દ્વારા અનાજ વિતરણ થવાનું છે, જેથી સર્વ ગ્રામજનોને વિનંતી કે જેમના રાશનકાર્ડ નંબરનો છેલ્લો અંક ઝીરો અથવા એક છે તેમણે કાલે મોં પર માસ્ક પહેરી સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધીમાં સસ્તા અનાજની દુકાને આવવું".  "સર્વે ખેડૂત ભાઈઓને જણાવવાનું કે પી.જી.વી.સી.એલ. દ્વારા કાલ રાત્રે ૯ થી ૧ વાગ્યા સુધી વીજકાપ જાહેર કરવામા આવેલ છે જેથી રાત્રે પાણી વાળવા જતા ખેડૂતો આ બાબત ખાસ ધ્યાને લેવી".
"સર્વે માલધારી મિત્રોને જણાવવાનું કે ફોરેસ્ટ વિભાગ દ્વારા નીચાણવાળો વિસ્તાર પ્રતિબંધીત જાહેર કરાયો છે જેથી તે વિસ્તારમાં પોતાના માલ-ઢોર ચરાવવા જવું નહીં". 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રકારની અને આવી તો કંઈક કેટલીયે લોકોપયોગી સૂચનાઓ આપે છે પાલીતાણાના સાંજણાસરના ગ્રામજનોએ વિકસાવેલો આધુનિક બુંગીયો. પહેલાના જમાનામાં કોઈ અગત્યની સૂચના આપવા ગામની મધ્યમાં ઢોલ વગાડી લોકોને તેની જાણ કરવામાં આવતી જેને બુંગીયો ઢોલ કહેવામાં આવતો. આધુનિકતા ઉમેરી ઉભી કરાયેલી કંઈક આવીજ વ્યવસ્થા આજ સાંજણાસરના ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણાના સાંજણાસર ગામે સુચનાના આદાન-પ્રદાનની તેમજ જનસંપર્કની જે વ્યવસ્થા ઊભી કરાઇ છે તે ભારતભરમાં પ્રેરણાદાયી બની શકે તેમ કહેવામાં લગીરે અતિશ્યોક્તિ નથી.


આ ગામમાં સરકાર દ્વારા ફાળવાયેલા 70 હજાર તેમજ લોકફાળાના 40 હજાર એમ કુલ 1 લાખ 10 હજારના ખર્ચે જનસંપર્કની એક આધુનિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમગ્ર ગામને આવરી લે તે રીતે ગામના દરેક ચોકમાં 12 જેટલા લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે અને ગ્રામ પંચાયત કચેરીએથી માઈક વડે અપાતી લોકોપયોગી સૂચનાઓ કે કોઈ અગત્યનો સંદેશો આ 12 લાઉડ સ્પીકર મારફત એક સાથે એક જ ક્ષણે ગામના તમામ લોકો સુધી પહોંચી જાય છે.


આજે આધુનિક શહેરો તેમજ સોસાયટીઓમા વસતા લોકો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મીડિયાના માધ્યમ થકી સરળતાથી સંદેશ તેમજ સૂચનાઓ પ્રાપ્ત કરી શકે છે, ત્યારે સાંજણાસર ગામના લોકોએ વિકસાવેલી આ વ્યવસ્થા સૌ કોઈને તેમના ઘર સુધી છેલ્લી ઘડીની સૂચના આપવાનું કાર્ય કરી સુગ્રથિત કરવાનું કામ કરે છે. 


બાલુભાઈ હાદાભાઈ નામના એક ખેડૂત જણાવે છે કે ઘણી વખત ખેતરમા પાણી વાળવા જઈએ ત્યારે વીજ કાંપના કારણે મોટર બંધ રહે અને અમારે અકારણ ખેતર સુધીનો ધક્કો થતો. પરંતુ હવે વીજકાપની જાણ લાઉડ સ્પીકર દ્વારા અગાઉથી જ કરી દેવામાં આવે છે જેથી અમારો અકારણ વેડફાતો સમય બચે છે. આ સિવાય ડેમ સાઈટ પરથી કાંપ મેળવવા માટેની સુચના પણ મળે છે. જેથી અમે અમારા ટ્રેક્ટર મારફત નિયત સમયમર્યાદામા કાંપ લાવી શકીએ છીએ. જેથી અમને ખેતીમાં પણ ખુબ સારો ફાયદો થાય છે.


બીજલભાઇ બોળીયા જણાવે છે કે અગાઉ અમારા પશુઓને રોગ થતાં તો અમારે ખાનગી ડોક્ટરો પાસે ખૂબ ખર્ચ વેઠવો પડતો, પરંતુ હવે આ લાઉડ સ્પીકરની વ્યવસ્થાથી સરકારી પશુ કેમ્પ તેમજ પશુ રસીકરણની અમને આગોતરી જાણ થાય છે. જેથી અમારા પશુઓમાં મરણનું પ્રમાણ ઘટયું છે. તેમજ અમારી આર્થિક બચત પણ થઇ રહી છે. તો બીજી તરફ વેપારી વિષ્ણુભાઈ વ્યાસ જણાવે છે કે, સરકાર તેમજ કલેકટરના કોરોના અંગેના જાહેરનામાથી અમને આ વ્યવસ્થાથી અવગત કરાવાય છે, જેથી અમારે દુકાનો ક્યારે ખોલવી અને ક્યારે બંધ કરવી તેમજ કેવા પ્રકારની વસ્તુઓનું વેચાણ કરવું વગેરે જેવી બાબતોની સરળ સમજ અમને મળતી થઇ છે.