રાજકારણ ગરમાયું! ગુજરાતમાં કઈ બેઠકો પર પિતા-પુત્ર અને માતા-પુત્ર એ દાવેદારી નોંધાવી!
Gujarat Election 2022: સેન્સ પ્રક્રિયામાં કાલોલ હાલોલ અને મોરવા હડફ વિધાનસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા ગત મોડી રાત્રે પૂર્ણ થઇ હતી. જેમાં કાલોલ વિધાનસભા માટે જાણે દાવેદારો નો રાફડો ફાટ્યો હોય તેમ 53 જેટલા લોકોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.
જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ: વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે તમામ સીટ પર સેન્સ લીધી છે. જેમાં પંચમહાલમાં ધારાસભ્ય પિતાપુત્ર અને માતાપુત્ર તેમજ માજી સાંસદે બે બેઠકો પર દાવેદારી કરતા સ્થાનિક રાજકારણ ગરમાયુ હતું. પંચમહાલમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. પ્રદેશ નિરીક્ષકો દ્વારા આજરોજ ગોધરા અને શહેરા વિધાનસભા માટે દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ પંચમહાલના મોટાભાગના ભાજપના દિગ્ગજ નેતાઓ બંને બેઠકો માટે પોતાની દાવેદારી કરવા માટે આવી રહ્યા છે.
પંચમહાલની પાંચ વિધાનસભા માટે છેલ્લા બે દિવસોથી ભાજપની સેન્સ પ્રક્રિયા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચાલી રહી છે. પ્રદેશ નિરીક્ષકો મંત્રી પૂર્ણેશ મોદી, ઉપાધ્યક્ષ મહેન્દ્ર સરવૈયા,અને મહિલા મોરચા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતી બેન શિયાળ દ્વારા દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે.
સેન્સ પ્રક્રિયામાં કાલોલ હાલોલ અને મોરવા હડફ વિધાનસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા ગત મોડી રાત્રે પૂર્ણ થઇ હતી. જેમાં કાલોલ વિધાનસભા માટે જાણે દાવેદારો નો રાફડો ફાટ્યો હોય તેમ 53 જેટલા લોકો એ પોતાની દાવેદારી નોંધાવી હતી. જ્યારે હાલોલ વિધાનસભા માટે 19 અને મોરવા હડફ વિધાનસભા માટે 18 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.
આજે સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે ગોધરા અને શહેરા વિધાનસભા માટે દાવેદારો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. અત્યાર સુધી પૂર્ણ થયેલ સેન્સ પ્રક્રિયા માં હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ સહિતના દિગ્ગજ નેતાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે, તો બીજી તરફ માજી સાંસદ અને દરેક વિધાનસભા ચૂંટણીમાં વિવાદો અને ચર્ચામાં આવતા પ્રભાતસિંહ ચૌહાણે પણ પોતાની દાવેદારી ગોધરા અને કાલોલ બેઠક માટે નોંધાવતા બંને બેઠકો પર રાજકારણ ગરમાયુ હતું.
તો બીજી તરફ હાલોલ બેઠક માટે હાલ ના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને તેમના પુત્ર મયૂરધ્વજ સિંહ પરમાર એમ બંને પિતા પુત્ર જ્યારે કાલોલ બેઠક પરથી હાલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અને તેમના પુત્ર ધવલ ચૌહાણે પણ પોતાની દાવેદારી કરતા પિતા-પુત્ર અને માતા-પુત્રની દાવેદારીએ ક્યાંય પરિવારવાદની પણ ચર્ચાઓ જગાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube