PANCHMAHAL: લ્યો હવે તો સરકારી રેપિડ ટેસ્ટ કીટને પણ સગેવગે કરવાનું કૌભાંડ!
એક તરફ કોરોનાના કારણે ઘણાં એવા લોકો છે 24 કલાક સેવામાં રચ્યાં પચ્યાં રહે છે જ્યારે બીજી તરફ એવા પણ લોકો છે જે કોરોના દર્દીઓ અને તેના પરિવારજનોની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું ચૂકતાં નથી. નકલી રેમડેસિવિર અને ઈન્જેક્શનની કાળા બજારીના કિસ્સા તો અનેક સાંભળ્યા પણ અહીં તો સરકારી રેપિડ ટેસ્ટ કિસ્ટને સગેવગે કરી ખાનગી ટેસ્ટ કરી રૂપિયા પડાવવાનું કૌભાંડ ઝડપાયું છે.
કાલોલ: એક તરફ કોરોનાના કારણે ઘણાં એવા લોકો છે 24 કલાક સેવામાં રચ્યાં પચ્યાં રહે છે જ્યારે બીજી તરફ એવા પણ લોકો છે જે કોરોના દર્દીઓ અને તેના પરિવારજનોની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું ચૂકતાં નથી. નકલી રેમડેસિવિર અને ઈન્જેક્શનની કાળા બજારીના કિસ્સા તો અનેક સાંભળ્યા પણ અહીં તો સરકારી રેપિડ ટેસ્ટ કિસ્ટને સગેવગે કરી ખાનગી ટેસ્ટ કરી રૂપિયા પડાવવાનું કૌભાંડ ઝડપાયું છે.
પંચમહાલના કાલોલના વેજલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સરકારી રેપિડ ટેસ્ટ કિટનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. કોરોના દર્દીઓને ફાળવાયેલી દવાઓ સમયસર મળી રહે તેની સતર્કતાના ભાગે ચેકિંગ માટે જિલ્લા પોલીસવડાની સૂચનાના આધારે ચેકિંગ હાથ ધરાયું હતું. તે દરમિયાન એક શખ્સ પોતાના ઘરે ગેરકાયદે રીતે રેપિડ એન્ટીજન કીટથી ટેસ્ટ કરતો હતો. અને કોરોના ટેસ્ટ કરી વધુ કિંમત વસૂલે છે. બસ આ બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી.
કરાર પર કામ કરતો ફાર્માસિસ્ટ નીકળ્યો કૌભાંડી
આરોગ્ય વિભાગના જિલ્લા ફાર્માસિસ્ટ અધિકારીને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ પોલીસે રેડ પાડી હતી. તપાસ કરતાં સામે આવ્યું કે, આ શખ્સ ઓરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવે છે. અને તે જ આ કીટ ગેરકાયદે રીતે પોતાના ઘરે લાવી રૂપિયા લઈ ટેસ્ટ કરતો હતો. પોલીસે રેપિડ એન્ટીજન કિટ અલગ અલગ કંપનીના 7 નંગ બોક્સ, 135 કીટ જેની અંદાજિત કિંમત 2 લાખ આસપાસ થાય છે.
સરકારી જથ્થો ઘરે લઈ જઈ અંગત કામમાં વાપરવો ગુનો
સરકારી આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં કરવામાં આવતા કોરોના ટેસ્ટ માટેની કોઈ સામગ્રી કે કોઈ પણ પ્રકારનો મેડિકલ સામાન ઘરે લઈ જવાની પરવાનગી નથી હોતી. તેમ છતાં ગોધરાના મીઠીખાન મહોલ્લામાં રહેતો રીઝવાન અહેમદ પોતાના ઘરે રેપિડ ટેસ્ટ કીટ લાવ્યો હતો. અને આર્થિક લાભ મેળવવા માટે તેણે અંગત કામોમાં વપરાશ માટે આ કીટ વાપરી જેથી તેની સામે પોલીસે કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એક તરફ ઘણી જગ્યાએ લોકો કોરોના ટેસ્ટિંગ માટે ધરમધક્કા ખાઈ રહ્યાં છે. રેપિડ કીટની અછત સર્જાઈ હોવાના પણ અનેક કિસ્સા સામે આવ્યા છે. તેવા સમયે આરોગ્ય કેન્દ્રના જ આવા કર્મચારીઓ પોતાના આર્થિક લાભ માટે કીટ સગેવગે કરી પોતાનો ગોરખધંધો કરી રહયા છે.