ઝી બ્યુરો/પંચમહાલ: પત્નીથી કંટાળીને અનેક યુવાનો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લામાં સામે આવી છે. મોરવા હડફ તાલુકાના મોરા ગામે એક આશાસ્પદ યુવકે પોતાની બેવફા પત્નીથી કંટાળીને વૃક્ષની ડાળીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. જોકે યુવકે આત્મહત્યા પહેલા એક વીડિયો બનાવીને પોતાની માતાની માફી માંગીને પોતાની આપવીતી જણાવી છે. મૃતક યુવકે આત્મહત્યા કરતા પહેલાં બનાવેલો વીડિયો પોલીસ સુધી પહોંચતા કાંકણપુર પોલીસે તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'હું ના ઘરનો રહ્યો કે બહારનો...'
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પંચમહાલના મોરવા હડફ તાલુકાના મોરા ગામે પત્નીથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી છે. ગોધરા તાલુકાના ટુવા ગામ નજીકના જંગલ વિસ્તારમાં જઈ વૃક્ષની ડાળી ઉપર ગાળિયો કરી ફાંસો ખાઈ યુવકે જીવન ટૂંકાવી લીધું હતું. જો કે, યુવકે એક વીડિયો બનાવ્યો છે. જેમાં યુવકે ધ્રુસકે ધ્રુસકે રડતાં પોતાની માતાની માફી માંગી છે અને કહી રહ્યો છે કે, મા મને માફ કરજે, હું આત્મહત્યા કરું છું મને લેવા આવજે. આ સાથે તેણે પોતાની પત્નીના ચારિત્ર પર શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે જેની સાથે લગ્ન કર્યા તે દગાબાજ નીકળી, હું ના ઘરનો રહ્યો કે બહારનો, એટલે આ પગલું ભરું છું. વીડિયો પોલીસ સુધી પહોંચતા કાંકણપુર પોલીસે તપાસ શરૂ કરી છે.


મા...મને લેવા આવજે હું આત્મહત્યા કરું છું...
એટલું જ નહીં, યુવકે આત્મહત્યા કરતા પહેલા જે વીડિયો બનાવ્યો હતો, જેમાં તે પોતાની માતાને પોતાની પત્નીના ચારિત્ર્ય અંગે વાત કરી હતી. યુવકે માતાને જણાવ્યું  હતું કે, મેં જાતે લગ્ન કરેલા એટલે મારે જાતે ભોગવવાનું છું. હું ઘરનો નથી રહ્યો કે બહારનો પણ નથી રહ્યો. જેની સાથે લગ્ન કર્યા તે દગાબાજ નીકળી, રૂપિયા લાવી લાવી આપ્યા તો એમાંથી મને પણ આપતી ન હતી. મા...મને લેવા આવજે હું આત્મહત્યા કરું છું તેમ કહી રડતાં રડતાં યુવકે ગોધરા તાલુકાના ટુવા નજીક આવેલા જંગલ વિસ્તારમાં જઈ એક વૃક્ષની ડાળીએ ગળે ફાંસો ખાઈ લીધો હતો.


પત્નીના ચારિત્ર્ય અંગે એક રેકોર્ડિંગે જીવન કર્યું નષ્ટ
તમને જણાવી દઈએ કે મોરા ગામે રહેતા અને આ ઘટનામાં આત્મહત્યા કરેલ યુવક જેનું નામ ભરત દલસુખભાઈ બામણિયા છે, તેના લગ્ન મોરવા હડફના વાલૈયા ગામે થયા હતા. બે વર્ષ પહેલા પત્નીનું ચરિત્ર સારું નહીં હોવાની જાણ થઈ હતી, જે અંગે એક રેકોર્ડિંગ પણ તેની પાસે હતું. આ ઘટનામાં મૃત્યું પામનાર યુવકે પત્નીને સીધા માર્ગે આવે એના માટે આ રેકોર્ડિંગ વિશે વાત તેમના સાસુને કરી હતી. તેમ છતાં સાસુંએ પોતાની દીકરીને કઈ કીધું નહોતું.


વીડિયો વાયરલ થતાં પરિવારજનોને જાણ થઈ
નોંધનીય છે કે યુવકે ગઈકાલે વીડિયો બનાવી આત્મહત્યા કર્યા બાદ આ વીડિયો વાયરલ થતાં તેના પરિવારજનો સુધી પહોંચ્યો હતો. જેથી પરિવારજનો યુવકની શોધખોળ કરતા ત્યાં જંગલ નજીક પહોંચ્યા હતા. બીજી બાજુ સ્થાનિકોએ અજાણ્યા યુવકનો મૃતદેહ લટકતો હોવાની જાણ પોલીસને કરી દીધી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકના મૃતદેહને ગોધરા સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.