Ahmedabad News અમદાવાદ : આમ તો ગુજરાત ફાર્મા હબ કહેવાય છે, પરંતું ગુજરાતમાં કીડીમકોડાની જેમ રોગચાળો ફાટી નીકળ્યો છે. ગુજરાતનું નાનામાં નાનું શહેર પણ તેનાથી બાકાત નથી. અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં વિવિધ રોગોએ માઝા મૂકી છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દીવા તળે અંધારિયા જેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સને ડેન્ગ્યુનો ચેપ લાગ્યો છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ જ ડેન્ગ્યુનો ભોગ બન્યા છે. હોસ્પિટલ કેમ્પસના પીજીમાં રહેતા 68 થી વધુ સ્ટાફ ડેન્ગ્યુ પોઝિટિવ છે. ડોક્ટરો તેમજ હોસ્ટેલમાં રહેતા નર્સિંગ સ્ટુડન્ટ ડેન્ગ્યુના ઝપેટમાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતની હાલત વધુ સીરિયસ
સુરતમાં રોગચાળો ફાટ્યો છે. વહેલી સવારથી જ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળે છે. કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા દર્દીઓ મજબુર બન્યા છે. સ્વચ્છ સિટીનું બિરુદ મેળવનારા સુરત શહેરમાં શરદી ખાંસી અને તાવના કેસોમા ધરખમ વધારો થયો છે. જેમાં નાના બાળકોમાં કેસ વધારે છે. બે મહિનામાં તાવના શંકાસ્પદ 16 હજાર કેસ નોંધાયા છે. માત્ર ઓગસ્ટ અને સપ્ટેબરમાં મેલેરિયાના 85 કેસ તેમજ ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા છે. શહેરની 686 જેટલી ટીમ સર્વેમાં જોડાઈ છે. 


  • ઓગસ્ટમાં 26 લાખ ઘરોમાં સર્વે કરાયો, જેમાં 66000 ઘરોમાં બ્રિડીગ મળી આવ્યા

  • સપ્ટેમ્બરમાં 13 લાખ ઘરોનો સર્વે કરાયો, જેમાં 4500 જગ્યાએ બ્રિડિગ મળી આવ્યા


સુરતમાં બે મહિનામાં 39 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 9 હજાર લોકોને બ્રિડીગ મળતા નોટિસ આપવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલ ડેન્ગ્યુ, મલેરિયા, તાવના દર્દીઓથી ઉભરાઈ છે. ઝોલાછાપ તબિયતથી દૂર રહેવા સિવિલ હોસ્પિટલના તબીબની અપીલ છે. શહેરમાં ડેન્ગ્યુ, મલેરીયા સહિત તાવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળોએ માથું ઊંચક્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુ, મેલેરીયા, તાવ સહિતના કેસોમાં સતત વધારો નોંધાયો છે. ત્યારે આવામાં ખાસ કરીને દર્દીઓ ઘર નજીકમાં જ આવેલા જોલા છાપ તબીબો પાસે સારવાર લેતા હોવાનું સામે આવી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ જીગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે અમારા ત્યાં મેડિસિન વિભાગમાં રોજની સાડા 700થી વધુની OPD હોય છે. જેમાં રોજના 10 થી 12 દર્દીઓ મચ્છરજન્ય રોગોથી પીડાતા હોય છે.  



આ લક્ષણો દેખાય તો ચેતી જજો 
મચ્છરજન્ય રોગોમાં જો શરૂઆતમાં લક્ષણો દેખાય દર્દીઓએ તાત્કાલિક નિષ્ણાંત તબીબો પાસે જઈને સારવાર લેવી જોઈએ. જો દર્દી સમય પર સારવાર કરે છે તેવા કેસમાં દર્દી વહેલી તકે સાજા થઈ જતા હોય છે. પરંતુ મોતના આંકડાની જો વાત કરવામાં આવે તો ઘણીવાર દર્દી પોતાના ઘરે જાતે સારવાર કરતો હોય છે. તેમજ મેડિકલમાંથી દવા લઈ પોતે સારવાર લઈ લેતો હોય છે. અન્યથા ઘર નજીકમાં આવેલા જે નિષ્ણાંત તબીબ નથી, તો ઝોલાછાપ તબીબો પાસેથી સારવાર લઈ સમય પસાર કરતા હોય છે. આવા મચ્છરજન્ય રોગોનું સમયસર જો સારવાર કરવામાં આવે તો એ દર્દીની સારવાર બહુ જ સફળતાથી થઈ જતી હોય છે. પરંતુ જો મોડું કરવામાં આવે તો આવા દર્દીઓમાં કોમ્પ્લિકેશન થાય છે. અને જો આવા કોમ્પ્લિકેશનને નજર અંદાજ કર્યા પછી દર્દી અમારી પાસે આવતોએ ગંભીર હાલતમાં આવતો હોય છે. જેથી દર્દીઓની મોત થવાની પૂરેપૂરી સંભાવના હોય છે.


બીજી તરફ, રાજકોટ શહેરમાં પણ ડેન્ગ્યુના ઢગલાબંધ કેસ નોંધાયા છે. મચ્છરના ઉપદ્રવને દૂર કરવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. નદી કાંઠાના વિસ્તારમાં મચ્છરોનો સૌથી વધારે ઉપદ્રવ છતાં મહાપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં છે. 



જામનગરમાં રોગચાળો બેકાબૂ
જામનગર શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો હોવાના કારણે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભીડમાં નોંધપાત્ર વધારો થયો છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના અધિક્ષકે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઓ.પી.ડી.માં દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જ્યાં પહેલા ૪૫૦ જેટલા દર્દીઓ આવતા હતા, ત્યાં હવે આ સંખ્યા ૫૫૦ થી ૬૦૦ અને કેટલીકવાર ૭૦૦ સુધી પહોંચી રહી છે. આ ઉપરાંત, આઈ.પી.ડી. માં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.