ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે જુનિયર કર્લકની પરીક્ષા યોજાવવાની હતી. જોકે, અચાનક પેપર લીકના સમાચાર સામે આવતા સરકારે પરીક્ષા મોકૂફ રાખવાની ફરજ પડી છે. એક તરફ વડોદરાથી પેપરલીક થયું હોવાની વાત સામે આવી રહી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર વતી બોર્ડના સભ્યએ ગુજરાત બહારથી પેપરલીક થયું હોવાની વાત કરીને સરકારનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે. રાજ્ય બહારના તત્વો દ્વારા પેપર લીક કરવામાં આવ્યું હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે. વડોદરાથી પેપરના અમુક ભાગો લીક થયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. વડોદરામાં પેપરના અમુક ભાગો ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડને મળ્યા હોવાની વાત પણ સામે આવી છે. તેના આધાર પર પેપર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય બહારની ગેંગની સંડોવણી હોવાની પ્રાથમિક વિગતો મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, આજે 11 વાગ્યે આ પરીક્ષા યોજાવાની હતી. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહએ જણાવ્યુંકે, શનિવારે મોડી રાત્રે પેપર ફૂટ્યું હતું. અગાઉ બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થઈ હતી તે વખતે પણ ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું હતું. આ પહેલીવાર નથી કે ગુજરાતમાં સરકારી પરીક્ષાઓનું પેપર લીક થયું હોય. આ પહેલાં બિનસચિવાલયની પરીક્ષાથી માંડીને 9-9 વાર સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓના પેપર ફૂટ્યાં છે. છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. જવાબદારો સામે હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરાઈ નથી.


પેપરલીક કાંડ અંગે ભાજપ સરકારના ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડએ શું કહ્યું?
સમગ્ર મામલે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાજિકા કચેરિયાએ ઝી24કલાક સાથેની એક્સકલુસિવ વાતચીતમાં જણાવ્યું કે, આજે વહેલી સવારે પરીક્ષાના કેટલાંક કલાકો પહેલાં જ અમને પેપરલીકની જાણ થઈ હતી. આ અંગેની જાણ થતાં જ સરકારે તાત્કાલિક આ અંગે પગલાં લીધાં છે. ઉમેદવારોના ભાવિ સાથે ચેડા ન થાય તે માટે સરકારે તુરંત જ આજે યોજાનારી જુનિયર કલર્કની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. હાલ પુરતી આ પરીક્ષા મોકુફ રાખી દેવામાં આવી છે. સમગ્ર પેપરલીક કાંડમાં ગુજરાત બહારની ટોળકીનો હાથ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું છે.


પેપરલીક કાંડ અંગે ભાજપના ધારાસભ્યનું નિવેદનઃ
અમદાવાદના મણિનગર ધારાસભ્ય અમુલ ભટ્ટનું પેપર ફૂટવા મામલે નિવેદન સામે આવ્યું. અમુલ ભટ્ટે જણાવ્યુંકે, ગઈ કાલે પેપર ફૂટવાના સમાચાર મળતા જ તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. પોલીસને આ પાછળ કામગીરીમાં જોડી દેવામાં આવ્યા છે. જે લોકો પણ ગુનાહના જોડાયા હશે તેની સામે ચોક્કસથી પગલાં લેવાશે.


પેપરલીક કાંડ અંગે સાંસદ શક્તિસિંહ ગોહિલનું નિવેદન:
ફરી એક વખત વર્ગ 3 ની પરીક્ષાના પેપર ફુટવાના સમાચારથી દુઃખી છું. આજે વિવિધ કેન્દ્રો પર 9.53 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા. પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે. સરકાર જવબદારી સ્વીકારે , યુવાનોની માફી માંગે , નુકસાનનું વળતર આપે.


પેપરલીક કાંડ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ શું કહ્યું?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, ગુજરાતના લાખો ઉમેદવારોને પેપરલીક કાંડએ ભાજપ સરકાર તરફથી મોટી ભેટ છે. વારંવાર કેમ પેપરલીક થાય છે? વારંવાર લાખો યુવાનોના ભાવિ સાથે ચેડાં કેમ થાય છે? સરકાર પાસે આ સવાલોનો કોઈ જવાબ જ નથી. ગુજરાત સરકારની આ મોટી નિષ્ફળતા છે.


 



 


પેપરલીક કાંડ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજકે શું કહ્યું?
જુનિયર ક્લાર્કના પેપર લીક મામલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં શા માટે લગભગ દરેક પરીક્ષાનું પેપર લીક થાય છે? કરોડો યુવાનોનું ભવિષ્ય બર્બાદ થયું છે..


 



 


પેપરલીક કાંડ અંગે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શું કહ્યું:
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને તેમની મિલીભગતના કારણે આ પેપર ફુટે છે. વારંવાર પેપર ફૂટે છે તો ભાજપ સરકાર શું કરે છે. કેમ ભાજપ સરકાર દ્વારા જવાબદારો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. લાખો ઉમેદવારોના ભાવિ સાથે વારંવાર ચેડા થઈ રહ્યાં છે ગુજરાત સરકારે આ અંગે જનતાને જવાબ આપવો પડશે. કેટલાંક લોકો પોતાની દિકરી સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરતી હોવાથી તેનું સગપણ નથી કરતા. કે અમારી દિકરી પહેલાં સરકારી નોકરી મેળવી લે પછી તેના લગ્નનું વિચારીશું. આવા કેટલાંય બલિદાનો કેટલીયે આશાઓ પર આ પેપરલીકના કારણે પાણી ફરી વળે છે.


 




પેપરલીક કાંડ અંગે વિદ્યાર્થીઓ શું કહી રહ્યાં છે?
વાલીઓ અને વિદ્યાર્થીઓ પેપરલીક કાંડ માટે ગુજરાત સરકારને જ જવાબદાર ગણે છે. એક વાલીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યુંકે, વારંવાર પેપર ફૂટે છે તો લાગે છેકે, આ પેપર નથી ફુટતા પણ અમારા બાળકોના અને અમારા નસીબ ફૂટે છે.
 



 


પેપરલીક કાંડ અંગે અપક્ષ ધારાસભ્યનું નિવેદનઃ
જુનિયર ક્લાર્ક ના પેપર ફૂટવાથી વિદ્યાર્થીઓને વળતર આપવામાં આવે અને આ પેપર ફોડવામાં જે પણ દોષિત છે તેને કડક સજા આપવામાં આવે તેવી બાયડથી અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ માંગ કરી છે.


પેપરલીક કાંડ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે શું કહ્યું?
ઉલ્લેખનીય છેકે, આજે 11 વાગ્યે આ પરીક્ષા યોજાવાની હતી. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહએ જણાવ્યુંકે, શનિવારે મોડી રાત્રે પેપર ફૂટ્યું હતું. અગાઉ બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થઈ હતી તે વખતે પણ ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું હતું. આ પહેલીવાર નથી કે ગુજરાતમાં સરકારી પરીક્ષાઓનું પેપર લીક થયું હોય. આ પહેલાં બિનસચિવાલયની પરીક્ષાથી માંડીને 9-9 વાર સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓના પેપર ફૂટ્યાં છે. છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. જવાબદારો સામે હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરાઈ નથી.