ઉદય રંજન/ગાંધીનગર : પેપરલીક મામલે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર પોલીસને મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. પોલીસે પેપર લિક કૌભાંડમાં સંડોવાયેલા 3 ષડયંત્રખોરોની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં દહિયા ગેંગની સંડોવણી આવી સામે છે. આ દહિયા ગેંગ અલગ અલગ રાજ્યમાં પેપર ફોડવાનું કામ કરે છે. આ કેસમાં અત્યાર સુધી 14 આરોપી પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં લેવાનાર લોક રક્ષક દળની પરીક્ષા પેપર લિક થવાને કારણે અચાનક રદ કરાઈ હતી. જેના બાદ લાખો વિદ્યાર્થીઓ અટવાયા હતા. ત્યારે પોલીસ માટે પણ આ પેપરલિકના આરોપીઓ સુધી પહોંચવી મોટી ચેલેન્જ બની ગઈ હતી. અત્યાર સુધી પોલીસે આ મામલે 13 જેટલા લોકોની ધરપકડ કરી હતી, જેમાં દિલ્હીની ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે પેપર લિકના મુખ્ય આરોપીઓને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કૌભાંડમાં દહિયા ગેંગનું નામ ખૂલ્યું છે. 


આ કૌભાંડમાં પેપર ફોડનાર અને માતબર રકમ આપીને પેપર ખરીદનારાઓ પણ પકડાયા છે. તો બીજી તરફ, પેપર લીકના આરોપીઓને દિલ્હીમાં લઈ જઈને પણ પોલીસે તપાસ કરી હતી. આ આરોપીઓ જ્યાં જ્યાં રોકાયા હતા તે તમામ સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વિપક્ષે પણ રાજ્ય સરકારને ઘેરી લીધી હતી. 


ઉલ્લેખનીય છે કે, અગાઉ પેપર લિક થવાને કારણે રદ કરાયેલી પરીક્ષા હવે 6 જાન્યુઆરીના રોજ લેવાની છે. આ માટે ઉમેદવારોને સરકાર દ્વારા બસ સુવિધા ફ્રીમાં આપવામાં આવી છે. તો બીજી તરફ, રાજ્યભરના એસટી સ્ટેન્ડ પર LRDની પરીક્ષાના ઉમેદવારોની લાંબી લાઈન લાગી છે. પરીક્ષા સ્થળ સુધીની મુસાફરી માટે ફ્રી ટિકિટ માટે નોંધણી કરાઈ રહી છે.