રખડતાં કૂતરાને કારણે વાઘબકરીના પરાગ દેસાઈનો જીવ ગયો નથીઃ કોણ સાચું કોણ ખોટું?
દેશની દિગ્ગજ ચા બ્રાન્ડ વાઘબકરી ગ્રુપના ડાયરેક્ટરના મોત બાદ અમદાવાદમાં રખડતાં કૂતરાઓના આતંકનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. કૂતરાઓ પાછળ પડવાને કારણે પરાગ દેસાઈ પડી ગયા હતા અને તેમને બ્રેઇનહેમરેજ થયું હતું. ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. પરંતુ અમદાવાદ મહાનગર પાલિકા કૂતરાને કારણે મોતની વાત સ્વીકારવા તૈયાર નથી.
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં રખડતાં કૂતરાઓનો ત્રાસ સતત વધી ગયો છે. સરકાર તથા તંત્રની કામગીરી માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે. અમદાવાદ મહાનગર પાલિકા કૂતરાઓના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાના ધૂમાડા કરી રહી છે, પરંતુ અમદાવાદની જનતા કૂતરાઓના ત્રાસથી ત્રસ્ત થઈ ગઈ છે. અમદાવાદમાં રખડતા કૂતરાઓને કારણે વાઘબકરી બ્રાન્ડના માલિક પરાગ દેસાઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ વાત નકારી રહ્યાં છે.
ઉદ્યોગપતિના નિધન બાદ એએમસીનું નિવેદન
અમદાવાદમાં વાઘ બકરી ગ્રુપના ડાયરેક્ટર પરાગ દેસાઈની પાછળ રખડતા કૂતરાઓ દોડ્યા હતા. આ દરમિયાન કૂતરાઓના ત્રાસને કારણે પરાગ દેસાઈ પડી ગયા હતા. ત્યારબાદ તેમને બ્રેઇન હેમરેજ થયું હતું અને સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. ઉદ્યોગપતિના મોત બાદ અમદાવાદમાં રખડતાં કૂતરાઓ પર સવાલ ઉઠી રહ્યાં છે. હવે અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન સામે આવ્યું છે. દેવાંગ દાણીએ કૂતરાઓના ત્રાસને કારણે પરાગ દેસાઈનું મોત થવાની વાત નકારી છે.
આ પણ વાંચોઃ AMCમાં સત્તાધારી ભાજપની લાપરવાહીને કારણે અમદાવાદ શહેરમાં શ્વાનનો વધતો ત્રાસ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને હાથ અધ્ધર કરતા કહ્યું કે, પરાગ દેસાઈની પાછળ કૂતરું પડ્યું નહોતું. તેમણે કહ્યું કે, રખડતાં કૂતરાઓને કારણે પરાગ દેસાઈનો જીવ ગયો નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે સ્લીપ થઈ જવાને કારણે પરાગ દેસાઈનું નિધન થયું છે. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે પોતાનો કોઈ વાંક ન હોય તે સાબિત કરવા ઈચ્છે છે. એએમસી તંત્ર રખડતા કૂતરાઓ બાબતે હાથ અધ્ધર કરી રહ્યાં છે.
શેલ્બી હોસ્પિટલનું નિવેદન આવ્યું સામે
બીજીતરફ વાઘબકરી ગ્રુપના પરાગ દેસાઈને સારવાર માટે અમદાવાદના એસજી હાઈવે પર આવેલી શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે હોસ્પિટલનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. શેલ્બી હોસ્પિટલે પોતાના મેડિકલ બુલેટિનમાં જણાવ્યું કે પરાગ દેસાઈને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલે પોતાના મેડિકલ બુલેટિનમાં પણ સ્પષ્ટ કર્યું કે, પરાગ દેસાઈ પાછળ કૂતરાઓ પડ્યા હતા. મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું કે કૂતરાઓ પાછળ દોડવાને કારણે પરાગ દેસાઈ પડી ગયા હતા અને તેમને ઈજા પહોંચી હતી.
આ પણ વાંચોઃ આ અમે નહિ સરકારી આંકડા કહે છે કે, 3 વર્ષમાં ગુજરાતમાં 12,55,066 લોકોને કુતરા કરડ્યા
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube