ઝી બ્યુરો/સુરત: રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ માટે વાલીઓએ વધુ એક ગેરકાયદેસર કીમિયો અપનાવ્યો હોવાની ઘટના સામે આવી છે. જી હા...ZEE 24 કલાક પર RTEમાં પ્રવેશ માટે ગેરરીતિનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. સુરતમાં આવકના દાખલામાં છેડછાડ કરવામાં આવી હોવાનો ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાલીઓએ RTEમાં બાળકોને ખોટી રીતે પ્રવેશ અપાવવા માટે ઓરિજિનલ આવકના દાખલામાં ગોલમાલ કરી આવક ઓછી બતાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવકના દાખલામાં આપેલા QR કોડથી વાલીઓનો ભાંડો ફુટ્યો
સુરતમાં બોગસ આવકના દાખલ સાથે વાલીઓએ અરજી જમા કરાવવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે આ ગોલમાલ પકડી પાડી છે. કહેવાય છે કે ચોર ગમે એટલો હોશિયાર હોય પરંતુ એક ભૂલના કારણે ચોરી પકડાઈ જાય છે, તેમ આવકના દાખલામાં આપેલા QR કોડથી વાલીઓનો ભાંડો ફુટ્યો છે. મામલદાર સાથે વાત કરી તમામ આવકના દાખલાની ખરાઈ કરવામાં આવી રહી છે. જેના કારણે સુરતમાં 250થી વધુ વાલીઓએ આ રીતે ગોલમાલ કરી અરજી કર્યાનો ખુલાસોલ થયો છે. 


રાત્રે 12 વાગ્યા સુધી ટીમે આવકના દાખલાની ખરાઈ કરી
DEOએ તમામની અરજી છેલ્લા દિવસે રદ કરી નાંખી છે. રાત્રે 12 વાગ્યા સુધી ટીમે આવકના દાખલાની ખરાઈ કરી હતી. તમામની અરજી રદ કરી વર્ષ 2025-26માં આ રીતે ગેરરીતિ ન કરવા વાલીઓને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે. હવે જો ગેરરીતિ કરાશે તો પોલીસ ફરિયાદની ચીમકી પણ આપવામાં આવી છે. 


હવે ધનવાન પરિવારના વાલીઓ પોતાના સંતાનોને આ રીતે એડમિશન અપાવી રહ્યાં છે
ઉલ્લેખનીય છે કે આ યોજના હકીકતમાં પછાત અને ગરીબ વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવા માટેની છે. પરંતું હવે ધનવાન પરિવારના વાલીઓ પોતાના સંતાનોને આ રીતે એડમિશન અપાવી રહ્યાં છે. અમીર પરિવારો તેનો લાભ લઈ રહ્યાં છે. રાઈટ ટુ એજ્યુકેશનમાં હાલ મસમોટા કૌભાંડો ચાલી રહ્યાં છે. એજન્ટ રાજ બાદ હવે નવા કૌભાંડનો આંકડો ચોંકાવનારો છે. ગુજરાતભરની અનેક શાળાઓમાં વાલીઓએ તેમના સંતાનોને આ રીતે પ્રવેશ અપાવ્યો છે. 


ગુજરાતમાં આવા અંદાજે 4500 કે તેથી વધુ બાળકો છે. ગયા વર્ષે ધો.1 ભણી ચૂકેલા બાળકોનો આ વર્ષે ફરી પ્રવેશ ફાળવાયો હોય એવા ગુજરાભરમા અનેક બાળકો છે. વાલીઓએ નામના સ્પેલિંગમાં નજીવો ફેરફાર કરીને અથવા જન્મતારીખ બદલીને ફોર્મ ભર્યું હતું. શાળા કક્ષાએ હવે ચકાસણી કરીને આવા પ્રવેશ રદ કરવા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાવવા જોઈએ. પરંતુ તેમ છતા કોઈ પગલા લેવાતા નથી. આવા લોકોનું ફોર્મ પણ માન્ય થઈ રહ્યું છે, તેમને સરકાર દ્વારા પ્રવેશ પણ ફાળવી દેવાયો, સ્કૂલ પણ ફાળવી દેવામાં આવી.