`પરેશ ધાનાણીનો સરકાર પર પ્રહાર, દેશની જનતાએ દેશી દલાલોથી ચેતવાની જરૂર છે`
બુધવારે મળેલી કોંગ્રેસની કોર કમિટીની બેઠક માં પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષની વચ્ચેની અસહમતી અને મતભેદ મુદ્દે ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઠપકો આપ્યો હતો.
ગૌરવ પટેલ/ અમદાવાદ: ગુજરાતના નાયબમુખ્ય મંત્રી નિતિન પટેલે રાહુલ ગાંધી વિશે કરેલી ટીપ્પણીનો કોગ્રેસે વળતો જવાબ આપ્યો છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને ભંગારના ભુકાના પુતળામાં કેદ કરવાનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી રચી રહી છે. મેડ ઇન ઇન્ડિયાની વાત કરતી ભાજપાની સરકાર સરદારની પ્રતિમા બનાવનો સબકોન્ટ્રાક્ટ ચાઇનાને આપી રહી છે. જેને છુપાવવા માટે રાષ્ટ્રભક્ત રાહુલ સામે સવાલ ઉઠાવી રહી છે.
ભાજપા પર પ્રહાર કરતાં પરેશ ધાનાણીએ કહ્યું કે આઝાદીની લડાઈમાં અંગ્રેજોની દલાલી કરતા લોકો આખા દેશને ગીરવે મૂકવાનું કામ કરી રહ્યા છે. ભાજપાના શાસનમાં કારગીલના કફન અને કોફીનમાંથી દલાલી ખાનાર લોકો ગંગા સફાઇના નામે સાત હજાર કરોડ દેશની તિજોરીમાંથી લુંટનારા લોકો મગફળીકાંડમાંથી મલાઈ તારવી જનારા લોકો દેશની સુરક્ષા માટે મહત્વના રાફેલની પોણા બે લાખ કરોડની દલાલી કરનારા લોકો છે.
જો એમને દલાલી મળે તો દોકલામને પણ ચીનના ખોળે રાખી દે આવા લોકોથી દેશને ચેતવાની જરૂર છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ગાંધી રાષ્ટ્ર અને વિશ્વનું ગૌરવ છે સત્ય અહિંસા સમાનતાનો સંદેશો આપનારા વિચારધારા છે. આજે રાષ્ટ્રભકત રાહુલના સવાલ આપતા આ લોકો ડરી રહ્યા છે માટે તેમની રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રભક્તિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે મળેલી કોંગ્રેસની કોર કમિટીની બેઠક માં પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષની વચ્ચેની અસહમતી અને મતભેદ મુદ્દે ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઠપકો આપ્યો હતો. આ બાબતનો સ્વીકાર ખુદ નેતા વિપક્ષે કર્યો. સંગઠનમાં તમામ લોકોની કામગીરી નું મૂલ્યાંકન થશે. જે લોકોએ ફક્ત હોદ્દા માટે લાભ લીધો હોય તેમને દૂર કરાશે. સંગઠન માં તમામ લોકોએ કામ કરવું પડશે. બંને નેતાઓ વચ્ચેની અસમતી દૂર કરીને તમામ 26 લોકસભા બેઠક જીતવા કામે લાગવા તાકીદ કરાઈ છે. નેતા વિપક્ષે એ વાતનો એકરાર કર્યો કે લોકશાહીમાં અસહમતી એ હાર્દ છે, જવાબદારી મૂલ્યાંકન અને ગણિત અલગ હોય છે.