નવરા થઇ ગયેલાં નેતાઓની નાતમાં વધુ એકનો ઉમેરો, ધાનાણીના આશાબેન પર પ્રહાર
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને પડઘમો વાગી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપ બંન્ને ગુજરાતની તમામ 26 લોકસભાની સીટો પર જીત મેળવવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે. ગત શનિવારે ઊંઝાનાં ધારાસભ્ય ડૉ.આશાબેન પટેલે શનિવારે સવારે અચાનક કોંગ્રેસ પક્ષ અને ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દઇ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.
અમદાવાદ: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને પડઘમો વાગી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપ બંન્ને ગુજરાતની તમામ 26 લોકસભાની સીટો પર જીત મેળવવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે. ગત શનિવારે ઊંઝાનાં ધારાસભ્ય ડૉ.આશાબેન પટેલે શનિવારે સવારે અચાનક કોંગ્રેસ પક્ષ અને ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દઇ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.
આશાબેનનું રાજીનામું આપવાનું કારણ સ્થાનિક સ્તરે પક્ષમાં જૂથવાદ અને અસંતોષ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઊંઝાના ધારાસભ્યના રાજીનામા બાદ હાર્દિક પટેલે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, એક મેચ રમાઇ રહી હતી જેમાં ઊંઝાની વિકેટ પડી ગઇ છે. જ્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ અંગે એક અનોખી ટ્વિટ કરી છે, જેમાં કહ્યું છે કે અમને વિશ્વાસ છે કે આશાબેન પરત ફરશે.
વિપક્ષના નેતા પરેશ ધાનણીએ કર્યું ટ્વિટ
પરેશ ધાનાણીએ આ અંગે એક ટ્વિટ કરતા લખ્યું છે કે, "સ્વાથૅ જીતશે કે સ્વાભિમાન", રણચંડીના રૂપ સમાન "આશાપુરા", ઉપર મને હજુય આશા છે. જનાદેશનો ઉલાળિયો કરીને નવરા થઇ ગયેલાં નેતાઓની નાતમાં વધુ એકનો ઉમેરો કરવાની ભાજપાની આશા ઠગારી નિવડે એવી અપેક્ષા.! જય જય ગરવી ગુજરાત. આ અનોખી ટ્વિટમાં તેમણે ડો.આશાબેન પટેલ પરત આવશે તેવી આશા તો વ્યક્ત કરી જ છે સાથોસાથ ભાજપ પર પ્રહાર પણ કર્યો છે.
આ રહ્યું આશાબેનનું રાજીનામું આપવાનું કારણ
આશાબેન પટેલ અગાઉ મહેસાણાના સાંસદ રહી ચૂકેલા જીવાભાઇ પટેલ પણ સ્થાનિક સ્તરે પક્ષમાં જૂથવાદ અને અસંતોષના કારણે પક્ષ છોડી ચૂક્યા છે. તો રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સમાજના યુવા નેતા અલ્પેશ ઠાકોર પણ સંગઠન સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. બીજી બાજુ, આશાબેને કોંગ્રેસેને બાય બાય કર્યા બાદ હવે ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની છે.
મહત્વનું છે, કે સ્થાનિક ભાજપ માટે મહેસાણા અને પાટણ વિસ્તારમાં પાટીદાર આંદોલનના કારણે ઊભા થયેલા સામા પૂર જેવી સ્થિતિને લઇ પાટીદાર મહિલા નેતાના રૂપમાં આશાબેનમાં નવી આશા દેખાઇ રહી છે. જોકે, આશાબેને ભાજપમાં જોડાવવાની કોઇ જ જાહેરાત કરી નથી.