સત્યમ હંસોરા/રાજકોટ : ખોડલધામના પૂર્વ પ્રમુખ અને પાટીદાર નેતા પરેશ ગજેરા લોકસભાની ચૂંટણી લડશે તેવા પોસ્ટર વાઈરલ થયા છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ પોસ્ટરથી હવે સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. ભાઈ આવે છે અમરેલીથી, જીતીને લાવશેના સૂત્ર સાથે અને પરેશ ગજેરાની તસવીરો સાથેના પોસ્ટર વાઈરલ થયા છે. ત્યારે પરેશ ગજેરા લોકસભાની ચૂંટણી લડે તેવા સંકેત આ પોસ્ટર થકી મળી રહ્યા છે, જોકે, પરેશ ગજેરાએ આ ચૂંટણી લડવાની વાતને નકારી કાઢી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, પાટીદાર નેતા હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવાનો છે તેવી તેણે ખુદ જાહેરાત કરી છે. તે ક્યાંથી ચૂંટણી લડશે તેની જાહેરાત તો થઈ નથી, પરંતુ હાર્દિક અમરેલી અને મહેસાણા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવી શકે છે તેવું કહેવાઈ રહ્યું છે. હાલ બંને બેઠક પર સરવે ચાલી રહ્યો છે. અમરેલી એ ગુજરાતમાં સૌથી વધુ પટેલ વસ્તી ધરાવતો જિલ્લો છે. તો બીજી તરફ, કોંગ્રેસ હાઇકમાન્ડે પણ હાર્દિક પર પસંદગી ઉતારી છે. ત્યારે જો હાર્દિક અમરેલીથી ચૂંટણી લડે તો તેની સામે ભાજપનો મજબૂત ઉમેદવાર હોવો જોઈએ. જેથી પરેશ ગજેરાનું નામ પણ ચર્ચાઈ રહ્યું હોય તેવા સંકેત છે. આ પોસ્ટર સૂચક પોસ્ટર હોય તેમ કહી શકાય છે. લોકસભાની ચૂંટણી પહેલા આ પ્રકારનાં પોસ્ટરો વાઇરલ થતાં સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. 


હું ચૂંટણી લડવાનો નથી
રાજકોટમાં પાટીદાર નેતા પરેશ ગજેરાએ નિવેદન આપતા જણાવ્યું કે, હું ચૂંટણી નથી લડવાનો. મારા હિત શત્રુ દ્વારા મેસેજ વાઇરલ કરવામાં આવે છે. ભાજપ કે કોંગ્રેસ ગમે તે પક્ષમાંથી ઓફર આવશે પણ હું લોકસભા નથી લડવાનો. સારા ઉમેદવારને ટેકો આપીશ કોઈપણ પક્ષ ના હોય.