વડોદરા: કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ગુરુવારે જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી ગુજરાતની સરકાર સ્થિર છે અને મુખ્યમંત્રી પદની રેસમાં તેમનું નામ માત્ર 'અફવા' છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં અનેક અવસરો પર એવી અફવા ઉડી છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપી રહ્યાં છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે 14 જૂનના રોજ પત્રકારોને જણાવ્યું હતું કે રૂપાણીએ એક દિવસ પહેલા થયેલી મંત્રીમંડળની બેઠકમાં રાજીનામું આપ્યું હતું અને દાવો કર્યો હતો કે રાજ્યને આગામી મુખ્યમંત્રી 10 દિવસની અંદર મળી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાણીએ  ત્યારે હાર્દિકના આ દાવાને બકવાસ ગણાવ્યો હતો અને તેને સંપૂર્ણ અસત્ય ગણાવ્યો હતો. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી રૂપાલાએ મીડિયા સાથે વાત કરતા ગુરુવારે જણાવ્યું કે મુખ્યમંત્રી પદ માટે મારું નામ ચગાવવું એ માત્ર અફવા છે જેની પાછળ કોઈ ગુપ્ત હેતુ હોઈ શકે છે. તેમણે દાવો કર્યો કે જે લોકો આમ કહી રહ્યાં છે તેમાં કોઈ સચ્ચાઈ નથી. વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકાર સ્થિર છે. રૂપાલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડોદરા પહોંચ્યા હતાં.


અત્રે જણાવવાનું કે પાટીદાર અનામત આંદોલનના નેતા અને ખેડૂત ક્રાંતિ સેનાના અધ્યક્ષ હાર્દિક પટેલે 14 જૂનના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાનો દાવો કરીને વિવાદ ઊભો કર્યો હતો. જો કે રૂપાણીએ આ દાવાને ખોટો ગણાવીને ફગાવ્યો હતો. રૂપાણીએ કહ્યું હતું કે રાજીનામાનો તો સવાલ જ ઊભો નથી થતો અને તેઓ પાંચ વર્ષનો પોતાનો કાર્યકાળ પૂરો કરશે.



રૂપાણીએ કહ્યું હતું કે હાર્દિક જેવા લોકો અફવાઓના દમ પર જ ચાલે છે. આ  લોકો રોજ કોઈને કોઈ અફવા ફેલાવે છે. નોંધનીય  છે કે હાર્દિક પટેલે રાજકોટની મુલાકાત વખતે દાવો કર્યો તો કે રૂપાણીને પાર્ટી દ્વારા કહેવામાં આવ્યાં બાદ કેબિનેટની બેઠકમાં રાજીનામું આપી દીધુ છે.


આ અગાઉ 24 મેના રોજ ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ રાજીનામાના અહેવાલો પર સ્પષ્ટીકરણ આપ્યું હતું. સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે નીતિન પટેલે પોતે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી મારી પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને લઈને સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. હું કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તેઓ તેને સત્ય ન ગણે.