હાર્દિક પટેલ બોલ્યો- આજે તમામ ફેક્ટરીઓ બંધ, ઉ.ભારતનું કેટલું મહત્વ છે સમજાયું, PM પર કર્યો પ્રહાર
અમદાવાદઃ હિંમતનગરના ઢુંઢરમાં 14 માસની બાળકી સાથે બળાત્કારની ઘટના બન્યા બાદ રાજ્યમાં બિન-ગુજરાતી લોકો પર હુમલા શરૂ થયા હતા. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો પર હુમલાઓ થયા હતા. આ ઘટના બાદ ઘણા લોકો ગુજરાત છોડીને પોતાના વતન પણ પરત ફરી ગયા છે. જેને લઈને તેની અસર ગુજરાતના ઉદ્યોગો પર પડી છે. આજે ઘણી ફેક્ટરીઓ બંધ છે. તો આ ઘટના બાદ બિહાર અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાનોએ પણ વિજય રૂપાણી સાથે વાત કરી હતી. સરકારે કહ્યું કે, ગુજરાતમાં શાંતિ છે અને તમામ લોકોને સુરક્ષા આપીશું.
આ ઘટનાને લઈને હાર્દિક પટેલે પણ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ અંગે હાર્દિકે ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુલમા અંગે દેશના વડાપ્રધાન કયારે બોલશે. નરેન્દ્ર ભાઈએ કહ્યું હતું કે, બિહાર અને ઉત્તર પ્રદેશ સાથે મારે જુનો સંબંધ છે. ગુજરાતમાં તમામ શ્રમ ફેક્ટરીમાં ઉત્તર ભારતીય લોકો કામ કરે છે. આજે તમામ ફેક્ટરી બંધ છે. ઉત્તર ભારતનું મહત્વ કેટલું છે સમજાય ગયું. પાટીદાર નેતા હાર્દિક પટેલે પરપ્રાંતીયો પર થઈ રહેલી હિંસાની પણ નિંદા કરી હતી.
આ સાથે હાર્દિકે પોતાના બીજા ટ્વીટમાં કહ્યું કે, ગુજરાતમાં ભારતના બીજા રાજ્યોના કારીગરો વિરુદ્ધ નફરત જેવી કોઈ વાત નથી. આવી ઘટના પ્રથમવાર બની છે. ગુજરાતમાં હિન્દી કોઈની ભાષા નથી. અહીં દરેક ઘરમાં હિન્દી ન્યૂઝ ચેનલ જોવામાં આવે છે. લોકો શોખથી હિન્દી બોલે છે. ભારતના તમામ પ્રદેશોના લોકો અમારો પરિવાર છે.