અમદાવાદઃ 2019માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે માટે તમામ પાર્ટીઓએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તો બીજીતરફ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની શું ભૂમિકા હશે, તેને લઈને પણ સવાલો થઈ રહ્યાં છે. આ પહેલા હાર્દિક પટેલે જેડીયૂના પ્રશાંત કિશોર સામે મુલાકાત કરવાની વાત સામે આવી હતી. ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં નવા સમિકરણો સર્જાઈ શકે છે. તેવી વાત સામે આવી છે કે, પાટીદાર નેતા હાર્દિક પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સાથે હાથ મિલાવશે. 


તેવી માહિતી મળી રહી છે કે, હાર્દિક પટેલનો અમદાવાદના ગ્રીનવુડમાં જે બંગલો છે તે હાર્દિક ખાલી કરીને ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાના ટેકેદારના બંગલામાં શિફ્ટ થવાનો છે. તો આજે શંકરસિંહ વાઘેલાએ એનસીપીના નેતા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું હાર્દિક પટેલ શંકરસિંહ સાથે એનસીપીમાં જોડાશે. આજે શંકરસિંહ વાઘેલા અને શરદ પવાર વચ્ચે મહત્વપૂર્ણ મંત્રણા થઈ હતી. હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાની વાત પણ સામે આવી રહી છે. 
 
ત્યારે સવાલ થઈ રહ્યો છે કે, શું શંકરસિંહ વાઘેલા અને હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજો મોરચો ઉભો કરશે? ત્રીજા મોરચાએ ગુજરાતમાંથી છ સીટોની માંગણી કરી છે. થોડા દિવસ પહેલા શંકરસિંહ વાઘેલાએ સુરતમાં અલ્પેશ કથિરીયાના ઘરની પણ મુલાકાત લીધી હતી. તે પણ આ એક રણનીતિનો ભાગ હતો, તેમ માહિતી મળી રહી છે. આ સાથે સવાલ થઈ રહ્યો છે કે, એનસીપી સાથે જવાથી ભાજપને ફાયદો થશે કે નહીં?