પ્રેમલ ત્રિવેદી, પાટણ: પાટણ શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદ થવાને કારણે રોડ-રસ્તાની નબળી કામગીરીની પોલ બહાર આવી છે. જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને તેનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે રોજે રોજ બિસ્માર રોડ પરથી અવર જવર કરવું પણ હવે મુશ્કેલ બનવા પામ્યું છે. છતાં પણ વાહન ચાલકો જીવના જોખમે ના છૂટકે બિસ્માર માર્ગ પરથી પસાર થવા મજબુર બની રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણ જિલ્લામાં ભારે વરસાદમાં તંત્રની પોલમ પોલ બહાર આવવા પામી છે. જેમાં પાટણથી હારીજ, પાટણ- ચાણસ્માને જોડતો હાઇવે માર્ગ માત્ર બે દિવસના ભારે વરસાદમાં બિસ્માર બની જવા પામ્યો છે. પાટણથી હારીજને જોડતો 5 કિલો મીટરના રોડ તેમજ પાટણથી ચાણસ્માને જોડતો 20 કિલોમીટરના માર્ગની હાલત બિસ્માર બની જવા પામી છે. જેને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવવા પામ્યો છે અને રોજિંદા આ બિસ્માર રોડ પરથી પસાર થવું હવે ભારે મુશ્કેલ બનવા પામ્યું છે. સાથે વાહનોનું મેન્ટેનન્સ પણ વધવા લાગ્યું છે.


પાટણથી હારીજ, પાટણથી ચાણસ્માને જોડતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે અને આ રોડ હાઇવેના મુખ્ય માર્ગને જોડતો અને રોજેરોજ વાહન ચાલકોથી ધમધમતો રોડ છે. જે તાજેતરમાં ભારે વરસાદમાં સાવ ધોવાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો બિસ્માર માર્ગને લઇ અકસ્માતનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. સાથે વાહનોનું મેન્ટેનન્સનો ખર્ચ પણ વાહન ચાલકોને વધુ સહન કરવાનો વારો આવ્યો છે. 

હાડકાં તોડ હાઇવે... લોકોના હાડકાં ખોખરા કરી નાખે છે આ હાઇવે, પણ તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી


ત્યારે આ રોડ પરથી પસાર થતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઝી 24 કલાકની ટીમ દ્વારા બિસ્માર રોડ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે રોડ એક વર્ષ નહિ પણ એક જ મહિનામાં તૂટી જાય છે. તો સરકારી અધિકારીઓ અને મંત્રી કહે છે વરસાદની પેટર્ન બદલવાના કારણે માર્ગ પર પાણી ભરાવવાના કારણે તે તૂટી રહ્યા છે. પણ પાટણ હારીજ લિંક રોડ, પાટણ-ચાણસ્મા હાઇવે પર પાણી ભરાવવાની કોઈ સમસ્યા નથી છતાં માર્ગ તૂટી જાય છે. તો બ્રિજ પર પણ પાણી ભરાતા નથી છતાં રોડ તૂટી જાય છે. 


સરકાર માત્ર તેનો બચાવ કરી રહી છે આર & બી વિભાગ દ્વારા ક્વોલિટી કંટ્રોલ કરવામાં સદંતર નિષ્ફળ રહેવા પામ્યું છે. જે કોન્ટ્રાકટરોને બ્લૅક લિસ્ટમાં મુકવામાં આવ્યા છે. તેમણે રોડની કામગીરી સોંપવામાં આવે છે. જેમાં મંત્રીઓ ભાગીદાર હોય તો ક્યાંથી સારા રોડ બને તો આ બાબતે ક્વોલિટી કંટ્રોલમાં સારા અધિકારીઓની ભરતી કરવી પડે. સાથે જ્યાં રોડ બને છે ત્યાં પાણી ક્યાં ભરાય છે, પાણીનું વહેણ ક્યાં છે તેની તપાસ કરવી જોઈએ. જે બાબતનું ધ્યાન સરકારે રાખવું જોઈએ તેમ કહી ધારાસભ્યએ સરકર પર પ્રહાર કર્યા હતા. 


પાટણ જિલ્લામાં વરસાદ બાદ હાઇવે પરના માર્ગો સાવ ધોવાઈ જતા ઠેર ઠેર ખાડા ખૈયા જોવા મળી રહ્યા છે. જેને કારણે વાહન ચાલકો ને ભારે મુશ્કેલી સાથે અને જીવના જોખમે મુસાફરી કરવી પડી પડી રહી છે. તેમાં દિવસ દરમ્યાન તો વાહન ચાલકો ખુબજ મોટુ જોખમ ઉઠાવી મુસાફરી કરી રહ્યા છે, તો રાત્રિ દરમ્યાન તો આ માર્ગ પરથી પસાર થવું મોતને આમંત્રણ આપવા સમાન છે તો આર & બી વિભાગ દ્વારા આ બિસ્માર માર્ગોનું ક્યારે રિપેરિંગ કામ કરે છે તે તો જોવાનું રહ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube