પાટણમાં બનાસ નદીમાંથી પાણી ફરી વળ્યા, 12 ગામોને જોડતો માર્ગ ધોવાઈ ગયો
પાટણમાં બનાસ નદીમાંથી પાણી છોડાતા પાણી ફરી વળ્યા... કાચો રોડ ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાઈ જવાનો ભય... 12 જેટલાં ગામોને જોડતો માર્ગ ધોવાઈ જવાનો લોકોને ભય
પ્રેમલ ત્રિવેદી/પાટણ :પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેવાડાના સાંતલપુર તાલુકામાં ઉપરવાસમાંથી વરસાદી પાણી છોડવામાં આવતા સાંતલપુર તાલુકાના કેટલાક ગામોમાં પર આફત આવી પડ્યુ છે. લોદરા ગામ નજીકના ડીપમાં પાણીનો ધસમસતો પ્રવાહ ડીપમાંથી પસાર થતા બે ગામો પ્રભાવિત બન્યા છે.
હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં રાધનપુર પંથકમાં ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમા 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે સાંતલપુરના લોદરા ગામ નજીકથી પસાર થતી ડીપમા ઉપરવાસમાં વધુ વરસાદ હોવાને લઇ વરસાદી પાણી છોડવામાં ડીપનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. જેને કારણે સાંતલપુરના બે ગામ ગંજીસર અને ધાડવા બે ગામો પ્રભાવિત થયા છે. આ ગામના સ્થાનિક લોકોને લોદરા ગામ જવાનો રસ્તો પાણી પ્રવાહ પસાર થતા જોખમી બન્યો છે. જેને લઇ કોઈ વાહન વ્યવહાર અને અવર જવર બિલકુલ નહિવત બની છે. તો સાથે લોદરા ગામના લોકો પણ ડીપમાંથી કોઈ જોખમી રીતે પસાર ન થાય તેમાટે સાવચેતીના ભાગ રૂપે સતર્ક બન્યા છે. તો આ પ્રકારના પાણીના મોટા પ્રવાહના કારણે આસપાસના ખેતરોમાં પણ ઉભા પાકને નુકસાની થવાની ભીતિ સેવી રહ્યા છે. જોકે લોદરા ગામ નજીક ગંજીસર અને ધાંડવા ગામ 5થી 7 કિલોમીટરના અંતરે આવેલ ગામો છે. બે ગામો વચ્ચેથી પસાર થતી ડીપમાં જો વધુ પાણીનો પ્રવાહ આવે તો જોખમી પણ બની શકે છે. જોકે હાલ તો અન્ય એક રસ્તો હોવાને લઇ ગામના લોકો તે રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે.
પાટણમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેથી અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. કાચો રોડ ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાઈ જવાનો ભય લાગી રહ્યો છે. લગભગ 12 જેટલાં ગામોને જોડતો માર્ગ ધોવાઈ જવાનો લોકોને ભય છે. જો રોડ ધોવાય તો અનેક ગામ સંપર્ક વિહોણા બની શકે છે. સાંતલપુરના અબીયાણા નજીક બ્રિજ ઘણા સમયથી અધૂરો છે. લોકોની અવર-જવર માટે બ્રિજ પાસે બનાવાયો કાચો રોડ બનાવાયો છે. અધૂરા બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે મોટો સવાલ છે.