Patan Lok Sabha Election Result 2024: પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં રાહુલ ગાંધીએ પણ પ્રચાર કર્યો હતો. આ બેઠક પર કરિણસિંહ ઠાકોર સહિત અનેક ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં પણ જોડાયા હતા. ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ગાબડું પડ્યું હતું. પરંતુ છેલ્લા સમયે બાજી પલટાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચાર સમયે પોતાની પાઘડી ઉતારીને લોકો પાસેથી તેમના મત માંગ્યા હતા. આ રીતનો અનોખો પ્રચાર પણ તેમને જીત અપાવી શક્યો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણ લોકસભા બેઠક પર ભાજપ ભરતસિંહ ડાભીની જીત થઈ છે. તમને જણાવી દઈએ કે પ્રથમ 15 રાઉન્ડ સુધી કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ રહ્યા હતા. 15 રાઉન્ડ બાદ એકાએક બાજી પલટાઈ હતી અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ બાજી મારી હતી. મત ગણતરીના અંતિમ ચરણમાં ભરતસિંહ ડાભી 30 હજાર થી વધુ મતોથી આગળ દોડી ગયા હતા. જેના કારણે નિરુત્સાહ કાર્યકરોમાં ફરી પ્રાણ ફૂંકાયા હતા અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છવાયો હતો. ભરતસિંહ ડાભી પરિવાર જનોએ આનંદ વ્યક્ત કર્યો અને જનતાનો આભાર માન્યો હતો.


પાટણ અતિ મહત્વની બેઠક
અત્રે જણાવવાનું કે પાટણ એ અતિ મહત્વની બેઠકમાં ગણતરી થાય છે કારણ કે આ બેઠક પર પહેલેથી જ ઠાકોર અને દેસાઈ સમાજનું પ્રભુત્વ રહ્યું છે. જો કે આ વખતે ભાજપે કોઈ જોખમ ન લેતા વર્તમાન ધારાસભ્ય ભરતસિંહ ડાભીને જ મેદાનમાં ઉતાર્યા. તેઓ અગાઉ ખેરાલુ બેઠક પરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. ભરતસિંહ બીએ એલએલબી સુધી ભણ્યા છે. 68 વર્ષના ભરતસિંહ ડાભીને આ વખતે બીજીવાર તક મળી. આ પહેલા તેઓ 2007, 2012 અને 2017માં સળંગ ત્રણવાર વિધાનસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. ભાજપે પહેલીવાર 2019માં કોંગ્રેસના મજબૂત ઠાકોર નેતા જગદીશ ઠાકોર સામે લોકસભા ચૂંટણી લડાવી અને તેઓએ 1.93 લાખની જંગી જીતથી ચૂંટણી જીતી પણ લીધી. 


બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની વાત કરીએ તો તેઓ સિદ્ધપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. વ્યવસાયે બિલ્ડર છે અને સમાજમાં તેમની પ્રતિષ્ઠા એક ભામાશા તરીકે છે. સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે. ચંદનજી ઠાકોર કોંગ્રેસ તરફથી 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને તેઓએ ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસને હરાવ્યા હતા. તેઓ ધોરણ 10 પાસ છે. 


પાટણના મતદારો
પાટણ બેઠકના મતદારો વિશે વાત કરીએ તો અહીં ઠાકોર મતદારોનું પ્રભુત્વ છે. આ ઉપરાંત દલિત, ક્ષત્રિય, મુસ્લિમ મતદારો પણ નિર્ણાયક છે. પાટીદારો મતદારો પણ ગમે ત્યારે બાજી પલટી નાખે તેવી ક્ષમતાવાળા છે. અહીં કુલ 19.83 લાખથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નોંધનીય છે કે આ લોકસભા બેઠક હેઠળ વડગામ, રાધનપુર, કાંકરેજ, પાટણ, ચાણસ્મા, સિદ્ધપુર અને ખેલાલુ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.