Patan Lok Sabha Chunav Result: પાટણમાં ગજબનો ઉલટફેર, કોંગ્રેસ ઉમેદવાર જબરદસ્ત લીડ સાથે આગળ, જાણો શું છે સ્થિતિ
Patan Lok Sabha Chunav Result 2024: પાટણની બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર વચ્ચે કાંટાની ટક્કર છે. કોણ ચૂંટણી જીતશે?
Patan Lok Sabha Result Election 2024: ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકોમાંથી 25 બેઠકો પર 7મી મેના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું. આજે હવે પરિણામનો દિવસ છે. સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. ગુજરાતની પાટણ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર ચૂંટણીના મેદાનમાં હતા. આજે મતગણતરી થઈ રહી છે અને હાલ ચૂંટણી પંચના લેટેસ્ટ આંકડા મુજબ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આગળ છે.
શું છે સ્થિતિ
ચૂંટણી પંચના આંકડા મુજબ પાટણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી કરતા 16091 મતથી આગળ છે. તેમને અત્યાર સુધીમાં 178385 મત મળ્યા છે જ્યારે ભરતસિંહ ડાભીને 162294 મત મળ્યા છે.
પાટણ અતિ મહત્વની બેઠક
અત્રે જણાવવાનું કે પાટણ એ અતિ મહત્વની બેઠકમાં ગણતરી થાય છે કારણ કે આ બેઠક પર પહેલેથી જ ઠાકોર અને દેસાઈ સમાજનું પ્રભુત્વ રહ્યું છે. જો કે આ વખતે ભાજપે કોઈ જોખમ ન લેતા વર્તમાન ધારાસભ્ય ભરતસિંહ ડાભીને જ મેદાનમાં ઉતાર્યા. તેઓ અગાઉ ખેરાલુ બેઠક પરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. ભરતસિંહ બીએ એલએલબી સુધી ભણ્યા છે. 68 વર્ષના ભરતસિંહ ડાભીને આ વખતે બીજીવાર તક મળી. આ પહેલા તેઓ 2007, 2012 અને 2017માં સળંગ ત્રણવાર વિધાનસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. ભાજપે પહેલીવાર 2019માં કોંગ્રેસના મજબૂત ઠાકોર નેતા જગદીશ ઠાકોર સામે લોકસભા ચૂંટણી લડાવી અને તેઓએ 1.93 લાખની જંગી જીતથી ચૂંટણી જીતી પણ લીધી.
બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની વાત કરીએ તો તેઓ સિદ્ધપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. વ્યવસાયે બિલ્ડર છે અને સમાજમાં તેમની પ્રતિષ્ઠા એક ભામાશા તરીકે છે. સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે. ચંદનજી ઠાકોર કોંગ્રેસ તરફથી 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને તેઓએ ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસને હરાવ્યા હતા. તેઓ ધોરણ 10 પાસ છે.
પાટણના મતદારો
પાટણ બેઠકના મતદારો વિશે વાત કરીએ તો અહીં ઠાકોર મતદારોનું પ્રભુત્વ છે. આ ઉપરાંત દલિત, ક્ષત્રિય, મુસ્લિમ મતદારો પણ નિર્ણાયક છે. પાટીદારો મતદારો પણ ગમે ત્યારે બાજી પલટી નાખે તેવી ક્ષમતાવાળા છે. અહીં કુલ 19.83 લાખથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નોંધનીય છે કે આ લોકસભા બેઠક હેઠળ વડગામ, રાધનપુર, કાંકરેજ, પાટણ, ચાણસ્મા, સિદ્ધપુર અને ખેલાલુ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.