પટેલ પરિવારમાં માતમ : મોટાભાઈએ અચાનક હાર્ટએટેકથી જીવ ગુમાવ્યો, સમાચાર જાણીને ૩૦ મિનિટમાં નાનાભાઈનું હૈયુ બેસી ગયું
Two Brothers Death Together : પાટણમાં મોટા ભાઈના મોતના સમાચાર સાંભળી નાના ભાઈનું આઘાતથી મોત.... હાર્ટ એટેક આવતા મોટા ભાઈ રસ્તા પર જ ઢળી પડ્યાના CCTV આવ્યા સામે.....
Patan News : છેલ્લાં કેટલાક દિવસોથી હાર્ટ એટેકના એવા કિસ્સા સામે આવી રહ્યાં છે જે ચોંકાવનારા છે. પરંતુ તેમાં પણ લગ્નપ્રસંગોમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. આવો જ એક દુખદ પ્રસંગ પાટણ જિલ્લામાં બન્યો છે. જ્યા એક પરિવારના બે સગા ભાઈઓની એકસાથે અર્થી ઉઠી હતી. પાટણમાં હૃદય કંપાવતી કરૂણ ઘટના બની છે. બે સગા ભાઈઓની એકસાથે અર્થી ઉઠતા પરિવાર આઘાતમાં સરી પડ્યો. એક ભાઈનું હાર્ટ એટેકથી મોત થયું હતું. તો મોટા ભાઈના મોતના સમાચાર સાંભળી નાના ભાઈનું આઘાતમાં મોત થયું.
પાટણના લોટેશ્વર વિસ્તારમાં રહેતા પટેલ પરિવારમાં આ કરુણ પ્રસંગ બન્યો છે. પાટણના લોટેશ્વરમાંર હેતા રામલાલ કાંતિભાઈ પટેલના સંતાનમાં ચાર દીકરાઓ છે. ચારેયના નામ ક્રમશ અરવિંદભાઈ, પ્રકાશભાઈ, દિનેશભાઈ અને હિતેશભાઈ પટેલ છે. જેમાં અરવિંદભાઈ અને દિનેશભાઈ પાટણ માર્કેટયાર્ડમાં શ્રીરામ ફર્ટીલાઈઝર નામની દુકાન સાથે મળીને ચલાવે છે. તેમજ બંને ભાઈઓ રાણકી વાવ પાસે આવેલ દ્વારિકા હોમ્સ સોસાયટીમાં સાથે જ રહે છે. ત્યારે ગત રોજ અરવિંદભાઈ માર્કેટ યાર્ડમા આવેલી નાગરિક શાખા બેંકમાં ચેક ભરવા ગયા હતા. ચેક ભરીને બેંકમાઁથી બહાર ચાલતા ચાલતા જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તા પર અચાનક તેમને હાર્ટએટેક આવ્યો હતો. તેઓ ત્યાં જ રસ્તા પર ઢળી પડ્યા હતા. હાજર લોકોએ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા, પરંતુ તે પહેલા જ તેઓ મૃત્યુ પામ્યા હતા.
આ તરફ, અરવિંદભાઈના મોતના સમાચાર પરિવારજનોને મળ્યા હતા. અરવિંદભાઈના મોત સમયે દિનેશભાઈ દુકાન પર હતા, ભાઈના સમાચાર જાણીને તેઓ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા. હજી તો તેઓ પરિવારને સંભાળે ત્યાં પહેલા તેમને પણ ગભરામણ થવા લાગી હતી, અને તેઓ ઢળી પડ્યા હતા. તેમને પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
એક ભાઈનું મોત અને બીજો હોસ્પિટલના બિછાને
એક ભાઈનું મોત અને બીજો હોસ્પિટલના બિછાને... પટેલ પરિવારમાં કંઈક આવુ દ્રશ્ય હતું. દિનેશભાઈ હોસ્પિટલમાં ગંભીર હતા, ત્યારે અરવિંદભાઈને અંતિમ વિધિની તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ એટલી વારમાં સમાચાર મળ્યા કે દિનેશભાઈના પણ હોસ્પિટલથી મોતના ખબર આવ્યા.
આ જાણતા જ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. આખરે બે સગા ભાઈઓની એકસાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. સગા ભાઈઓની એકસાથે અર્થી નીકળતા પાટણની ગલીઓમાં માતમ છવાઈ ગયો હતો. કોઈ વિચારી પણ ન શકે કે સગાભાઈઓ આ રીતે ઓચિંતી વિદાય લેશે.
મોટા ભાઈ અરવિંદ પટેલને હાર્ટ એટેક આવતા તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. ત્યારે તેના CCTV પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય કે તેમને કેવી રીતે હૃદયનો હુમલો આવતા ઢળી પડ્યા હતા. મૃતક અરવિંદભાઇની ઉમર 49 વર્ષ હતી, જેમને સંતાનોમાં એક દીકરી છે જે 25 વર્ષની છે. જેના દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા છે અને એક 21 વર્ષનો દીકરો છે, જે અત્યારે અભ્યાસ કરે છે. જ્યારે દિનેશભાઇની ઉમર 45 વર્ષની હતી. જેને એક 19 વર્ષનો દીકરો છે. આમ ઓચિંતી બંને ભાઇઓએ એકસાથે વિદાય લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે.