પાટણ: ખેડૂતોએ ખાલીખમ પડેલી કેનાલમાં કર્યો અનોખી રીતે વિરોધ
સરસ્વતી તાલુકામાં આવેલા વડું ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો ગામની કેનાલમાં ઉતર્યા હતા અને સરકાર સામે પાણીની માંગ ઉચ્ચારી વોલીબોલ રમી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
પાટણ: પાટણ સરસ્વતી તાલુકામાં ખેડૂતોએ સરકારનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. કેનાલોમાં પાણી ન છોડવામાં આવતા ખાલીખમ પડેલી કેનાલમાં ખેડૂતોએ વોલીબોલ રમવાનું નક્કી કર્યું અને પાણી વગર ખેતી કેવી રીતે કરવી એટલે સરકારે ખેડૂતોને ખેલકૂદની રમત રમતા કરી નાખ્યા તેવો ભાવ દર્શાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
સરસ્વતી તાલુકામાં આવેલા વડું ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો ગામની કેનાલમાં ઉતર્યા હતા અને સરકાર સામે પાણીની માંગ ઉચ્ચારી વોલીબોલ રમી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. એક તરફ જીલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ અને બીજી તરફ કેનાલો પાણી વગરની હોવાથી ખેડૂત ખેતી કેવી રીતે કરે તેની દુવિધામાં મુકાયો છે. હાલમાં રવિ પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે અને કેનાલોમાં પાણીની કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે. તો સરકાર પાણી આપવામાં માત્ર વાયદાઓ કરતા ખેડૂતોએ ખાલીખમ કેનાલને રમત ગમતનું મેદાન બનાવી વોલીબોલ રમી સરકાર સામે અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
હાલમાં ખેડૂતોના ઉભા પાક પાણી વગર મુરજાઈ રહ્યા છે તો સાથે જ રવિ પાકને પાણીની જરૂર હોઈ જગતનો તાત પાણી વગર નિરાશ બન્યો છે. એવામાં અત્યારે ખેડૂતો પાસે કોઈ જ કામ ધંધો ન હોઈ ખેડૂતો એ ખાલી કેનાલોમાં વોલીબોલ રમી સમય પસાર કરી રહ્યા હોવાનો દેખાવ કર્યો હતો. આ વિરોધમાં કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્ય અને ખેડૂતો જોડાયા હતા અને સરકાર પાણી આપે તેવી માંગ કરી હતી.
સુજલામ સુફલામ કેનાલોમાં પાણી ન છોડવામાં આવતા સરકાર સામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કરતા કેનાલની ચારે તરફ પોલીસ ગોઠવાઈ ગઇ હતી અને સરકારના વિરોધ મામલે ૫૦ થી વધુ ખેડૂતો સહીત ધારાસભ્યની અટકાયત કરી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. જોકે હજુ ગણતરીના દિવસોમાં કેનાલોમાં પાણી નહિ છોડાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી.