નરેશ ભાલીયા, રાજકોટઃ શું નરેશ પટેલ રાજનીતિમાં એન્ટ્રી કરશે? રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી આ પ્રશ્ન ચર્ચામાં છે. રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલાં ફરી રાજકીય માહોલમાં ગરમી આવી ગઈ છે. આજે ખોડલધામ ખાતે નરેશ પટેલ અને ઉત્તર ગુજરાતના પાટીદારો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નરેશ પટેલની રાજકીય એન્ટ્રી સહિત અન્ય મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું
ઉત્તર ગુજરાતના પાટીદાર અગ્રણીઓ અને નરેશ પટેલ વચ્ચે ખોડલધામ ખાતે યોજાયેલી બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં હાજર રહેલા મહેસાણા કોંગ્રેસના ઉપપ્રમુખ ભરત પટેલે કહ્યુ કે, અમે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. ઉત્તર ગુજરાતના પાટીદાર અગ્રણીઓ કોઈપણ સંજોગોમાં એક થવા અને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપવા ખોડલધામ પહોંચ્યા હતા. ભરત પટેલે કહ્યુ કે, અમારા મંતવ્ય પ્રમાણે નરેશ પટેલ કોંગ્રેસમાં સામેલ થાય. 


નરેશ પટેલ પાટીદાર નેતૃત્વ માટે વીર ભામાશા
કોંગ્રેસના નેતા ભરત પટેલે કહ્યુ કે, સરદાર પટેલ પછી નરેશ પટેલ પાટીદાર નેતૃત્વ માટે એક વીર ભામાશા મળ્યા છે. પાટીદાર સમાજ કડવા અને લેઉઆ બે ફાટામાં વિભાજીત હતો, તેને એક કરવાનું કામ નરેશ પટેલે કર્યુ છે. તેમણે કહ્યુ કે, નરેશ પટેલના પ્રયાસથી ઉમા ખોડલના નામથી બે સમાજ એક નેજા હેઠળ આવ્યા છે. આ માટે અમે નરેશ ભાઈનો આભાર માનીએ છીએ. 


આ પણ વાંચોઃ રાજકારણમાં જોડાવવા માટે હજુ મારે થોડો સમય જોઈએઃ નરેશ પટેલ


ખોડલધામ રાજકારણનું માધ્યમ નથી
રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલે કહ્યુ કે, રાજનીતિમાં આવવું કે નહીં તેની જાણ હું મીડિયાના માધ્યમથી કરીશ. તેમણે કહ્યું કે ખોડલધામ પરિસર ક્યારેય રાજકારણની વાત કરતું નથી. આ ખોડલધામ રાજકારણનું માધ્યમ નથી. અહીં માત્ર સંગઠનની વાત કરવામાં આવશે. અહીં સમાજના પ્રશ્નોની ચર્ચા કરીશું. 


નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈઃ ગીતાબેન પટેલ
ઉત્તર ગુજરાતના પાટીદાર અગ્રણીઓ આજે નરેશ પટેલને મળવા પહોંચ્યા છે. આ વચ્ચે પાસના કન્વીનર ગીતાબેન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ તેવી ઈચ્છા છે. આ સાથે તેમણે કહ્યું કે, નરેશભાઈ ગમે તે પક્ષમાં જાય તો પણ મારી શુભેચ્છા જોડાયેલી છે. ગીતાબેને કહ્યું કે, સમાજની લડાઈ લડવી હોય તો સામા પક્ષે રહીને લડવાની હોય છે. તેમણે કહ્યું કે, સરકારે પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી છે, પરંતુ હજુ કેસ પાછા ખેંચ્યા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube