નવનીત દલવાડી, ભાવનગરઃ ભાવનગર શહેરમાં ચાલુ ઉનાળામાં પાણી સમસ્યા નિવારવા તંત્ર દ્વારા ખૂબ પ્રયાસો કરવામાં આવ્યા છે છતાં ઓછા પ્રેશર તેમજ ટેકનિકલ સમસ્યાઓને કારણે છેવાડાના અનેક વિસ્તારો પાણી માટે વલખાં મારી રહ્યા છે. આવા વિસ્તારોમાં તંત્ર દ્વારા ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારે ગરમીમાં શેકાતા લોકોને ટેન્કર આવે ત્યાં સુધી પાણી માટે રાહ જોવી પડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર જિલ્લામાં ગત વર્ષે સારો વરસાદ થતા જિલ્લાનો શેત્રુંજી ડેમ, બોરતળાવ અને ખોડીયાર ડેમ છલકાઇ ગયા હતા. મહીપરીયેજના પાણી પણ ભાવનગરને મળી રહ્યા છે. તેથી પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પરંતુ પૂરતો જથ્થો હોવા છતાં તંત્રની બેદરકારી, ટેકનિકલ સમસ્યાઓ પાવરકાપ, ડ્રેનેજ ભળી જવી અને યોગ્ય આયોજનના અભાવે ભાવનગરના લોકોને પાણી માટે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. આવા પ્રશ્નનોના કારણે છેવાડાના અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરના કારણે પાણી પહોંચતું ના હોવાથી લોકોને પાણીના ટેન્કર મંગાવવા પડે છે. સામાન્ય અને મધ્યમવર્ગીય સોસાયટીઓમાં મજૂરી અને નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવતા લોકોને લાંબા સમય સુધી પાણીની રાહ જોઈને બેસી રહેવું પડે છે.


શહેરના અન્ય વિસ્તારોમાં શિયાળો અને ચોમાસા દરમ્યાન પાણીનો ઓછો વપરાશ થતો હોવાથી આ સમય દરમિયાન છેવાડા ના વિસ્તારોને પૂરતું પાણી મળી રહે છે. સમસ્યા ત્યારે સર્જાય છે, જ્યારે ઉનાળો શરૂ થાય છે. ઉનાળામાં અન્ય વિસ્તારોમાં પાણીનો વપરાશ વધી જતાં છેવાડાના વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ સર્જાય છે. ત્યારે સ્થાનિકો દ્વારા પીવાના પાણીની સમસ્યાનું યોગ્ય નિવારણ લાવવા માંગ કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ ડિજિટલાઇઝેશનનો ઉપયોગ વધતા સ્ટેશનરીની માંગમાં થયો ઘટાડો, નાના વેપારીઓને પડ્યો ફટકો  


ભાવનગર શહેરમાં ટેન્કર રાજ ખતમ થયાના દાવા વચ્ચે વોટર વર્કસ વિભાગને પાણીની અનેક ફરિયાદ મળી રહી છે. જેથી ફિલ્ટર વિભાગ દ્વારા શહેરના જે વિસ્તારોમાં પાણી ઓછા પ્રેશરથી આવતું હોય તેવા વિસ્તારોમાં પાણીના ટેન્કર મોકલવામાં આવે છે. ઉનાળો આવતાં લોકો પાણીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હોવાના કારણે શહેરમાં પાણીની સમસ્યા સર્જાય છે. મનપા દ્વારા રોજના 50થી 60 ટેન્કરના હિસાબે અત્યાર સુધી ગત ફેબ્રુઆરીથી ચાલુ મે માસ દરમિયાન 4700 થી પણ વધુ પાણીના ટેન્કરો સપ્લાય કરવામાં આવ્યા છે.


ભાવનગરના લોકોનું માનીએ તો અનેક વિસ્તારોમાં પાણી સમસ્યા જોવા મળી રહી છે, અને લોકો મહિનાઓ સુધી પાણી વગર વલખા મારી રહ્યા છે. જ્યારે શહેરમાં સર્જાયેલી પાણી સમસ્યા અંગે પૂછતાં વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે જળાશયોમાં પૂરતું પાણી ઉપલબ્ધ છે અને યોગ્ય રીતે સપ્લાય કરવામાં આવી રહ્યો છે. પરંતુ શહેરમાં ઉનાળામાં પાણીની વધુ ડિમાન્ડ ઉપરાંત શહેરમાં ચાલતા વિકાસના કામોના કારણે અનેક જગ્યાઓ પર નાની મોટી ક્ષતિઓ સર્જાય છે. ઉપરાંત વીજ પુરવઠાના કારણે પણ પાણી સપ્લાય કરવામાં વિક્ષેપ પડે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube