દર 5 મિનિટે 3 લોકોને કરડે છે રખડતાં શ્વાન; ગુજરાતમાં 3 વર્ષમાં શ્વાન કરડવાનાં 12.50 લાખ કેસ
ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં 12 લાખ 50 હજાર લોકને રખડતાં શ્વાન કરડ્યા છે. એટલે કે દર વર્ષે 4 લાખ, દર મહિને 34 હજાર 700 અને દરરોજ 1150 લોકોને રખડતાં શ્વાન કરડે છે. આ હિસાબે દર 5 મિનિટે ગુજરાતમાં 3 લોકોને રખડતાં શ્વાન કરડે છે.
ઝી બ્યુરો/અમદાવાદ: શહેરમાં રખડતાં શ્વાનનો આતંક યથાવત્ છે. દોઢ વર્ષના એક બાળક પર શ્વાને હુમલો બોલી દીધો. જો સ્થાનિકો સમયસર આવ્યા ન હોત તો બાળકનો જીવ જોખમમાં આવી ગયો હોત. દોઢ વર્ષનું એક બાળક રમતું રમતું પોતાના ઘરની બહાર નીકળે છે, કે એક રખડતું શ્વાન તેના પર તૂટી પડે છે. શ્વાન હિંસક પશુની જેમ બાળકને પોતાનો શિકાર સમજી લે છે. બાળકની ચીસો સાંભળીને તેના પિતા અને અન્ય પાડોશીઓ દોડી આવે છે અને બાળકને શ્વાનની ચુંગાલમાંથી છોડાવે છે. જો બાળકને બચાવવામાં થોડું પણ મોડું થયું હોત તો તેનો જીવ જોખમમાં હતો...બાળકને ઈજા પહોંચતા સિવિલમાં સારવાર અપાઈ હતી.
શ્વાનની સમસ્યા કોઈ એક વિસ્તાર કે શહેર પૂરતી મર્યાદિત નથી
આ ઘટના અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારના ફતેવાડીની છે. સ્થાનિકોનું માનીએ તો એક જ દિવસમાં શ્વાને 3 લોકોને બચકા ભર્યા છે. AMCને ફરિયાદ કરવામાં આવતા રખડતાં શ્વાન પકડતી ટીમે હુમલાખોર શ્વાનને પકડી પાડ્યું હતું. રખડતાં શ્વાનની સમસ્યા કોઈ એક વિસ્તાર કે શહેર પૂરતી મર્યાદિત નથી, પણ રાજ્યવ્યાપી છે. શ્વાન કરડવાના બનાવ રાજ્યમાં સામાન્ય બાબત છે.
શાસકોને લોકોના જીવની કોઈ પરવા નથી
રખડતાં શ્વાનના આતંક સામે સામાન્ય નાગરિકો તો લાચાર છે જ, પણ અબજોપતિઓ પણ બાકાત નથી રહ્યા. તાજેતરનો દાખલો વાઘ બકરી ચાના એમડી પરાગ દેસાઈનો છે. મોર્નિંગ વોક માટે નીકળેલા પરાગ દેસાઈનો રખડતા શ્વાને પીછો કરતાં તેઓ બચવા માટે દોડ્યા હતા. આ દરમિયાન રસ્તા પર લપસી જતાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ, જે બ્રેઈન હેમરેજમાં પરિણમી અને જીવલેણ સાબિત થઈ. એક તરફ સ્માર્ટ સિટી બનાવવાના દાવા કરાય છે અને બીજી તરફ જાહેર રસ્તા રખડતાં શ્વાનનો અડ્ડો બની ગયા છે. પણ સંવેદનહીન બની ગયેલા શાસકોને લોકોના જીવની કોઈ પરવા નથી.
વર્ષ 2022માં શહેરમાં 58 હજાર લોકોને રખડતાં શ્વાન કરડ્યાં
ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં 12 લાખ 50 હજાર લોકને રખડતાં શ્વાન કરડ્યા છે. એટલે કે દર વર્ષે 4 લાખ, દર મહિને 34 હજાર 700 અને દરરોજ 1150 લોકોને રખડતાં શ્વાન કરડે છે. આ હિસાબે દર 5 મિનિટે ગુજરાતમાં 3 લોકોને રખડતાં શ્વાન કરડે છે. આ આંકડા ચિંતાજનક છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં દર મહિને સરેરાશ 4 હજાર 800થી વધુ લોકોને શ્વાન કરડે છે. વર્ષ 2022માં શહેરમાં 58 હજાર લોકોને રખડતાં શ્વાન કરડ્યાં હતા. દર કલાકે શહેરમાં 6 લોકોને રખડતાં કૂતરાં કરડે છે. આવું એટલા માટે થાય છે કેમ કે શહેરમાં પોણા ચાર લાખથી વધુ રખડતાં શ્વાન છે.
દર વર્ષે સવા ત્રણ કરોડ રૂપિયા શ્વાનના ખસીકરણ પાછળ ખર્ચ
સવાલ એ છે કે આ સમસ્યા સામે તંત્ર શું કરે છે. તો તેનો જવાબ એ છે કે તંત્ર રખડતાં શ્વાનને પકડે છે અને તેમની નસબંધી કરે છે. અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં રખડતાં શ્વાનની નસબંધી પાછળ મનપાએ 9 કરોડ 36 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. એટલે કે દર વર્ષે સવા ત્રણ કરોડ રૂપિયા શ્વાનના ખસીકરણ પાછળ ખર્ચાય છે. તેમ છતા સમસ્યા ઠેરની ઠેર છે. જીવદયાપ્રેમીઓની જીવદયા અને તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે જનતા ભગવાન ભરોસે છે.