ખુલ્લેઆમ ફરતા દીપડાઓનો ડાંગની પ્રકૃતિ પૂજક પ્રજાને કોઈ ભય નથી! આ પાછળ છે તેમની એક માન્યતા
Gujarat Tourism : ડાંગ જિલ્લાના 311 જેટલા ગામોમાં અસંખ્ય હિંસક પ્રાણીઓ હોવા છતાં અહીંયા જંગલમાં લોકો નિર્ભય બનીને રહે છે, જેનું કારણ અહીંના લોકોનો પ્રકૃતિ પ્રેમ છે
હિતાર્થ પટેલ /ડાંગ :છેલ્લા ઘણા દિવસથી ડાંગ જિલ્લાના જંગલોમાં દીપડાઓ ખુલ્લેઆમ જોવા મળી રહ્યા છે. સાપુતારા વઘઈ ઘાટ માર્ગ ઉપર સામગહાન નજીક 2 બચ્ચા સાથે દીપડી દેખાયા હતા. તેના બાદ ફરી એક વાર દેવીનામાળ વિસ્તારમાં દીપડી તેના બચ્ચાને રમાડતી હોય તેવો હોય વીડિયો સામે આવ્યો હતો. આ સાથે આહવા તાલુકાના ગંલકુંડ અને સુબીર તાલુકાના બરડીપાડાથી પણ રાત્રિના સમયે જંગલમાં ફરતા દીપડાના વીડિયો વાયરલ થયા હતા. જોકે 100 ટકા જંગલ વિસ્તાર એવા ડાંગ જિલ્લામાં રહેતા સ્થાનિક આદિવાસીઓ માને છે કે, આ જંગલ એ પશુ પક્ષીઓનું ઘર છે અને આપણે મનુષ્ય એમના વિસ્તારમાં રહીએ છીએ, અને આજ કારણે જંગલ વિસ્તારમાં ફરતા આવા પશુ પક્ષીઓ માટે અહીંના લોકોમાં કોઈ ભય નથી. ગામજનો નિર્ભય રીતે રાત્રે પણ એકલા ગામમાં ફરતા હોય છે અને એક સ્થળેથી બીજા સ્થળે નિર્ભયતાથી અવરજવર કરતા રહે છે.
ડાંગના આદિવાસીઓ પ્રકૃતિના પૂજક છે
ડાંગના લોકોનું માનવું છે કે, પ્રકૃતિના પૂજક એવા આદિવાસી સમાજના લોકો સુખદુખના દરેક પ્રસંગે સૂર્યદેવ, ચંદ્ર દેવ સાથે વાઘદેવ, મોર દેવ નાગ દેવ એટલેકે પ્રકૃતિની પ્રાણી તત્વોની પૂજા કરે છે અને આ દેવોના આશીર્વાદથીજ તેમનું જીવન ચાલે છે. તેમજ પ્રકૃતિ તેમનું રક્ષણ કરે છે. એટલ માટે જ ડાંગ જિલ્લાના 311 જેટલા ગામોમાં અસંખ્ય હિંસક પ્રાણીઓ હોવા છતાં અહીંયા જંગલમાં લોકો નિર્ભય બનીને રહે છે.
આ પણ વાંચો : ઘરમાં આ સંકેતો વારંવાર મળે તો સમજો પૂર્વજો તમારાથી નારાજ છે
પ્રવાસીઓ સાવચેતી રાખે એ જરૂરી
ડાંગ જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર દેખાતા-ફરતા હિંસક દીપડાઓને લઈને અહીંયા આવતા પ્રવાસીઓ ખાસ સાવચેતી રાખે એ જરૂરી છે. અવારનવાર સાપુતારા વઘઇ અને સાપુતારા આહવા માર્ગ ઉપર દીપડા તેના બચ્ચા સાથે કેમેરામાં કેદ થયા છે. ત્યારે ડાંગ જિલ્લાના પ્રવાસે આવતા લોકો પોતાની સલામતી રાખે એ જરૂરી છે. ખાસ કરીને રાત્રિના અંધારામાં કોઈ પણ કારણસર પોતાના વાહનોમાંથી નીચે ન ઉતરે. સાથે જંગલમાંથી પસાર થતાં દીપડા અને અન્ય પ્રાણીઓ અકસ્માતનો ભોગ ન બને એ માટે વાહન ચાલકોએ પણ ખાસ વાહનોની ગતિ મર્યાદિત રાખવી. તેવી અપીલ ડાંગ વનવિભાગના અધિકારી દિનેશ રબારીએ કરી છે.