ભવનાથના મેળાને મળી મંજૂરી, ગાઈડલાઈન સાથે થશે મેળાનું આયોજન
- જૂનાગઢના ભવનાથમાં યોજાશે મહાશિવરાત્રિનો મેળો
- કોવિડ ગાઈડલાઈન સાથે યોજાશે ભવનાથ મેળો
- દેશભરમાંથી લાખો ભાવિકો ભવનાથના મેળામાં ઉમટશે...
ભાવિન ત્રિવેદી/જૂનાગઢ :કોરોનાનો કહેર હળવો થતા હવે ધીરે ધીરે જનજીવન થાળે પડી રહ્યુ છે. જેથી આ વર્ષે ગુજરાતની મહત્વના ઉત્સવો ધૂમધામથી ઉજવવા લોકો થનગની રહ્યા છે. આ વચ્ચે જૂનાગઢમાં ભવનાથ મેળાને મંજૂરી આપવામાં આવી છે. કોવિડ ગાઈડલાઈન સાથે ભવનાથનો મેળો યોજાશે. કોરોનાના બે વર્ષને કારણે ભવનાથનો મેળો યોજાતો ન હતો. 2022 માં કોરોનાના કેસ ઘટતા ભવનાથના મેળાને મંજૂરી આપવામાં આવી છે.
2 વર્ષથી જૂનાગઢમાં ભવનાથના મેળાનું આયોજન થઈ શક્યુ ન હતું. દેશભરમાંથી ભવનાથ મેળામાં સાધુ-સંતો ઉમટી પડતા હોય છે. ત્યારે આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભવનાથ મેળામાં ભાવિકો ઉમટશે. ભાવિક ભક્તો મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે ભક્તોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો : જયરાજસિંહનું દર્દ છલકાયું, ‘ટેક્સીનું મીટર ફેરવે તેમ મારી 37 વર્ષની કારકિર્દી ઝીરો કરી નાંખી’
શિવરાત્રિના અવસર પર જૂનાગઢની તળેટીમાં ભવનાથનો મેળો યોજાતો હોય છે. સાધુ સંતો ઉપરાંત રાજકીય આગેવાનોએ ભવનાથનો મેળો યોજવાની માંગ કરી હતી. ત્યારે શિવરાત્રીના મેળાને લઈને કલેક્ટરની અધ્યક્ષતામાં આજે બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર, શહેર કમિશનર, મેયર તથા સાધુ સંતો અને પોલીસ અધિકારીઓ ઉપરાંત સામાજિક સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મેળાના આયોજન અંગે ચર્ચા થઈ હતી અને મેળો યોજાશે તેવો નિર્ણય લેવાયો હતો. મેળાના આયોજન માટે અલગ-અલગ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કોવિડની ગાઈડલાઈન મુજબ મેળો યોજાશે. કલેક્ટર એલબી બાંભણિયા સાથેની બેઠકમાં મેળાને મંજૂરી આપવામાં આવી હતી.