સસ્તુ પેટ્રોલ-ડીઝલ મળવાની જાહેરાત થતા ગુજરાતમાં અહી લાગી લાંબી લાઈન

Petrol Diesel Price hike : રાજ્યની સરહદ વટાવતા જ પેટ્રોલ-ડીઝલ સસ્તુ થઈ જાય છે એવી માહિતી મળતા જ વલસાડના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈન લાગી છે. મહારાષ્ટ્રથી લોકો બળતણ પૂરાવવા ગુજરાત આવી રહ્યાં છે. જે થોડા રૂપિયા બચે તેવી આશાએ તેઓ વલસાડ આવી રહ્યાં છે
નિલેશ જોશી/બોર્ડ :હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યાં છે. જ્યા અડધો પૈસા પણ ઓછી મળવાની જાહેરાત થાય ત્યા લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા દોડી રહ્યાં છે. એમાં પણ જો તમને પેટ્રોલ 14 રૂપિયા અને ડીઝલ 4 રૂપિયા સસ્તું મળવાની જાહેરાત હોય તો રીતસરની લાઈનો પડે. ગુજરાતમાં ઈંધણના ભાવ ઓછા હોવાથી મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાંથી લોકો તેમની ગાડીની ટાંકી ભરવા માટે આવી રહ્યાં છે. વલસાડ જિલ્લાની બોર્ડર પર આવેલ નેશનલ હાઈવેના પેટ્રોલપંપ પર વાહનોની કતારો લાગી રહી છે.
ગુજરાતના પેટ્રોલ પંપોએ સસ્તા પેટ્રોલ-ડીઝલના હોર્ડિંગ્સ લગાવ્યા
મહારાષ્ટ્રના મુંબઈ તેમજ અલગ અલગ જિલ્લાઓમાં ઈંધણના વધારાને કારણે પાલઘર, દહાણુ, બોઈસર, તલાસરી અને જવાહરના વાહનચાલકો થોડા રૂપિયા બચાવવાની આશામાં પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે નજીકના ગુજરાતના સરહદી વિસ્તાર વલસાડ જિલ્લામાં આવી રહ્યા છે. ગુજરાતના વલસાડ જિલ્લામાં જે પેટ્રોલ પંપ આવેલુ છે તે પાલઘરથી લગભગ 12 કિમી દૂર છે. પેટ્રોલનો ભાવ રૂપિયા 99.94 હતો, જ્યારે એક લિટર ડીઝલનો ભાવ ₹94.09 અને CNGનો ભાવ ₹71.84 હતો. જ્યારે પાલઘરમાં મંગળવારે પેટ્રોલની કિંમત ₹114.62 હતી, જ્યારે ડીઝલની કિંમત ₹97.38 વધુ જોવા મળી હતી. જેને લઈ ગુજરાતના બોર્ડર વિસ્તારમાં અમુક પેટ્રોલ પંપના માલિકોએ હોર્ડિંગ્સ લગાવ્યા છે કે, મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું મળશે પેટ્રોલ 14 રૂપિયા અને ડીઝલ 4 રૂપિયા સસ્તું મળશે.
આ પણ વાંચો : CNG Price Hike: Adani Gas એ વધાર્યા CNG ના ભાવ, આજથી નવો ભાવ લાગુ
ગાડીની ટાંકી ફુલ કરાવીને મહારાષ્ટ્ર પરત ફરે છે
આ વિશે મહારાષ્ટ્રના એક શખ્સ કહે છે કે, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછામાં ઓછા ₹12 થી ₹15 પ્રતિ લિટર સસ્તા છે. તે અમને પોસાય છે. કારણ કે ભીલાડમાંથી જવા અને પાછા આવવા માટે ભાગ્યે જ અડધો લિટર ઇંધણ ખર્ચાય છે. ત્યારે મહારાષ્ટ્રના પુનાના બિઝનેસમેન સચિન બીજનસે જણાવ્યું હતું કે, મેં મારી ગાડીની ટાંકી સંપૂર્ણ રીતે ભરાવી છે. મહારાષ્ટ્રમાં વધુ ભાવ હોવાથી હું વલસાડ જિલ્લાના વાપીમાં કામ અર્થે આવુ તો પટ્રોલ ફુલ ભરાવી લીધું. હવે મહારાષ્ટ્ર જઈ રહ્યો છું. બે પૈસાની બચત થાય એટલે ટાંકી ફૂલ કરાવી છે. વધતા ભાવ અને અલગ અલગ ભાવમાં સરકારે વિચારવુ જોઈએ અને સરખો ભાવ હોવો જોઈએ. જેથી લોકોને આટલી મુશ્કેલી ના થાય.
આ પણ વાંચો : કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા કોંગ્રેસ તૂટશે, આ દિગ્ગજ નેતા AAPમાં જોડાય તેવી શક્યતા
હરદેવ સિંગ અને સુનિલ નામના ટ્રક ડ્રાઈવરે જણાવ્યું કે, મોટાભાગના ટ્રાન્સપોર્ટરોએ મહારાષ્ટ્રમાં પ્રવેશતા પહેલા પડોશી રાજ્યમાં ઈંધણ ભરવાનું નક્કી કર્યું છે. જેનાથી તેઓના બે પૈસામાં બચત થાય. અમે અહીથી જ પસાર થઈને મહારાષ્ટ્ર જઈએ છીએ, તો પહેલા અહી પેટ્રોલ-ડીઝલ ભરાવી લઈએ છીએ. આ ગુજરાત બોર્ડરનો છેલ્લો પંપ હોવાથી અહીંથી ડીઝલ ભરાવીને આગળ જઈએ છીએ. અન્ય એક સાથે એક ડેઇલી કારથી મુંબઇ વાપીની ટ્રીપ મારતા કાર ચાલકે કહ્યું કે, 800 રૂપિયામાં ગુજરાતમાં ગેસ ફૂલ થાય છે અને મહારાષ્ટ્રમાં 1200 રૂપિયામાં. 4 રૂપિયાનો કિલો પર ભાવ ગેસમાં વધારે હોવાથી બે પૈસા બચત થાય છે ને પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. એટલે ગેસ પણ ગુજરાતમાંથી ભરાવીને દિવસની બે ટ્રીપ મારીયે છે.
આ પણ વાંચો : ગામની દીકરી આર્મી ટ્રેનિંગથી પરત ફરતા લોકોએ વાજતેગાજતે સ્વાગત કર્યું, દીકરીના વધામણાં કર્યાં
તલવાડા ગામના પેટ્રોલ પંપના મેનેજર રૂપેશ પટેલ જણાવે છે કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડીઝલ-પેટ્રોલ અને ગેસના ભાવ ધટાડામાં ફરક હોવાથી અમારા પેટ્રોલ પંપ પર ભારે અવર જવર રહે છે. આ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર તલવાડા ગામનો છેલ્લો પેટ્રોલપંપ છે. અહીંથી એક કિમી દૂર મહારાષ્ટ્ર રાજ્યની હદ લાગે છે. ત્યાંના નજીકના જિલ્લાના લોકો 10-12 કિમી અહીં આવીને ડીઝલ પેટ્રોલ ભરાવી ગેસ ભરાવીને પરત જાય છે.