નવી દિલ્હી/અમદાવાદ: છેલ્લા એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 10 પૈસાના વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં વધારો કરાયો નથી. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 82.32 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. આ બાજુ રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 81.45 રૂપિયા પ્રતિ લીટર થયો છે. જ્યારે ડીઝલનો ભાવ સ્થિર છે અને પ્રતિ લીટર 79.28 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોજે રોજ બદલાતા ભાવ વચ્ચે આજે જનતાને થોડી રાહત મળી છે તેવું કહી શકાય. કારણ કે પેટ્રોલના ભાવમાં 10 પૈસાનો વધારો થયો છે પરંતુ ડીઝલના ભાવ સ્થિર છે. એટલે કે કોઈ વધારો નોંધાયો નથી. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ.81.45 પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલનો ભાવ રૂ.79.28 પર સ્થિર છે. રાજ્યમાં પેટ્રોલનો સૌથી વધુ ભાવ ભાવનગરમાં જોવા મળ્યો છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ રૂ.82.54 પ્રતિ લીટર છે. છેલ્લા 19 દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ.3.79નો વધારો નોંધાયો છે. રાજ્યના મોટા ભાગના શહેરમાં પેટ્રોલ ભાવ રૂ.81ને પાર પહોંચ્યો છે. 


આ બાજુ મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 9 પૈસાનો પ્રતિ લીટર વધારો થયો છે. જેના કારણે મુંબઈમાં હવે પેટ્રોલનો ભાવ 89.69 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. ડીઝલ 78.42 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. 


વિશેષજ્ઞોનું માનવું છે કે આવનારા સમયમાં ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધશે. પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારા પાછળ રૂપિયો એક મોટું કારણ છે. રૂપિયો સતત ગગડી  રહ્યો હોવાના કારણે ઓઈલ કંપનીઓ સતત ભાવોમાં વધારો  કરી રહી છે. કંપનીઓ ડોલરમાં ક્રુડ ઓઈલની કિંમત ચૂકવે છે. જેના કારણે તેમણે પોતાનો માર્જિન પૂરો કરવા માટે પેટ્રોલીયમ પેદાશોના ભાવ વધારવા પડે છે.