અઘોરીઓની અતરંગી દુનિયા, ભવનાથના મેળાની આ તસવીરો કોરોનાના બે વર્ષ ભૂલાવી દેશે
shivratri 2022 : ગિરનાર તીર્થ ક્ષેત્રમા યોજાતા મહા શિવરાત્રી મેળાને ત્રીજો દિવસ છે. ત્યારે 2 લાખ ભાવિકોએ મેળાની મજા માણી. મહાશિવરાત્રિનો મેળો પાંચ દિવસ ચાલે છે. ત્યારે 1 માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે 10 લાખ વધુ ભાવિકો ઉમટી પડવાની સંભાવના છે
ભાવિન ત્રિવેદી/જૂનાગઢ :બમ બમ ભોલેના નાદ સાથે મહાશિવરાત્રી મેળામાં અનેરી રંગત જૉવા મળી રહી છે. શિવરાત્રી મેળામાં નાગા સાધુ મેળાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. બાળ સાધુ, સાધ્વીઓ અને મોટી ઉમર સાધુ પણ શિવની આરાધના કરતા જૉવા મળ્યાં છે. અઘોરીઓની આ દુનિયા એકદમ નિરાળી છે.
ગિરનાર તીર્થ ક્ષેત્રમા યોજાતા મહા શિવરાત્રી મેળાને ત્રીજો દિવસ છે. ત્યારે 2 લાખ ભાવિકોએ મેળાની મજા માણી. તેની સાથે મેળામાં નાના મોટા ધંધા વેપાર કરતા ધંધાર્થીઓને ત્યાં ભીડ જૉવા મળી રહી છે. કોરોનાના બે વર્ષ બાદ મેળો યોજાયો છે, ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. મંદિરો અને ધર્મ સ્થાનો સાથે ઉતારા મંડળમાં અન્નક્ષેત્ર પણ ધમધમી ઉઠ્યા છે. હર હર મહાદેવના નાદ સાથે વિના મૂલ્યે ભાવથી પ્રસાદ આપવામા આવી રહ્યો છે. ત્યારે દેશભરમાંથી 300 થી વધુ નાગા સાધુઓએ પોતાની ધુણી ધખાવીને શિવની આરાધના કરતા જૉવા મળ્યા છે.
શિવરાત્રિમા સાધુઓના અનેક રૂપ જૉવા મળે છે. શિવને પામવા નાગા સાધુઓના એનેક સ્વરૂપ જૉવા મળી રહ્યા છે. શિવની અતિ પ્રિય વસ્તુ ઍટલે ભભૂત. ત્યારે નાગા સાધુ શરીરે ભભૂતી લગાવી લાંબી જટા સાથે મેળામાં જૉવા મળી રહ્યાં છે. એવા પણ સાધુ છે કે શરીર ઊપર 50 કિલોથી વધુ રૂદ્રાક્ષની માળા પહેરી શિવની ભક્તિ કરે છે. તો આ વર્ષે નાના બાળ સાધુ પણ જૉવા મળ્યાં છે. જેઓ નાની ઉમરમાં સાધુની દીક્ષા લઈને શિવને પામવા તપ કરી રહ્યાં છે.
મહાશિવરાત્રિનો મેળો પાંચ દિવસ ચાલે છે. ત્યારે 1 માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે 10 લાખ વધુ ભાવિકો ઉમટી પડવાની સંભાવના છે. પરંતુ માત્ર બે દિવસમાં જ 2 લાખથી વધુ ભાવીકો મેળાની મુલાકાત લઈને પરત ફર્યા છે. હજી અવિરત પ્રવાહ ભવનાથ તળેટી તરફ જૉવા મળી રહ્યો છે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શિવરાત્રી મેળાની મુલાકાત લેશે. ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ સજાગ બન્યુ છે.