એક ગુલાબી રંગની ફાઈલ બની ચર્ચાનું કેન્દ્ર; સરકારી વકીલે જજનું ફાઈલ તરફ દોર્યું ધ્યાન
ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ત્યારે તેમના હાથમાં રહેલી એક ગુલાબી રંગની ફાઈલ ચર્ચાનું કેન્દ્ર બની છે.
Rajkot Fire Case: રાજકોટ આગકાંડમાં શુક્રવારે તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ત્યારે તેમના હાથમાં રહેલી એક ગુલાબી રંગની ફાઈલ ચર્ચાનું કેન્દ્ર બની છે.
નોંધનીય વાત એ રહી કે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના હાથમાં આ ફાઈલ ક્રાઈમ બ્રાંચની ઓફિસથી નિકળ્યા અને કોર્ટમાં પહોંચ્યા ત્યાં સુધી રહી હતી અને સાગઠિયા તેમને મળેલા સરકારી વકીલને આ ફાઈલના પાના ફેરવીને સૂચનો કરતા હતા અને સરકારી વકીલ તેના આધારે દલીલ કરી રહ્યા હતા. આ વાત વિશે ભોગ બનનાર તરફથી રોકાયેલા વકીલે જજનું ધ્યાન પણ દોર્યું હતું.
સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીએ સવાલ કર્યો કે, પોલીસ કસ્ટડીમાં ફાઈલ હતી નહીં તો અહીં કઈ રીતે આવી, તપાસ કરનાર અધિકારીને પણ આવી કોઈ ફાઈલની જાણ નહોતી તેવો પણ સવાલ કરવામાં આવ્યો.
જો કે, આરોપી મનસુખ સાગઠિયાએ કહ્યું કે, તેઓ ક્રાઈમ બ્રાંચથી આવ્યા ત્યારે જ આ ફાઈલ લઈને આવ્યા હતા. બાદમાં પોલીસને ફાઈલ આપી દેવા કહેવામાં આવ્યું હતું. જો કે, આ ફાઈલ સાગઠિયા પાસે હોવાના સંદર્ભે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.