બાબા આદમના જમાનાની પાઈપલાઈન રાજકોટના દરેક વોર્ડમાં કરે છે પાણીનો બગાડ
- નર્મદા નીરથી સમૃધ્ધ રાજકોટમાં પાણીનો સૌથી વધુ બગાડ, મનપામાં પાણીને લગતી 5482 ફરિયાદ
- ત્રણ માસમાં લાઇન લીકેજની 2420, ગંદા પાણીની 1534, ધીમા પાણીની 1411 ફરિયાદ
- સૌથી વધુ તકલીફ વોર્ડ નં.7, 11, 12 અને 18માં
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ શહેરમાં પાણીનો પ્રશ્ન હવે ભુતકાળ બનતા જનરલ બોર્ડમાં કમિશ્નર અને ભાજપના પદાધિકારીઓએ નવા પાંચ વર્ષના લાંબા ગાળાના આયોજનોની વાતો કરી હતી. પરંતુ આંતરિક વિતરણ વ્યવસ્થામાં રહેલી ક્ષતિઓના કારણે લોકોને હજુ પાણી માટે અવારનવાર હેરાન થવું પડતું હોય છે. રાજકોટ મનપામાં ફેબ્રુઆરીથી એપ્રિલના ત્રણ મહિનામાં આ ધાંધિયાની જુદા જુદા પ્રકારની કુલ 5482 ફરિયાદો મનપામાં નોંધાઇ છે અને તેમાં સૌથી વધુ ફરિયાદ ખુદ તંત્રની બેદરકારી સામેની છે!
તા.1-2થી તા.30-4-21 સુધીમાં જુદા જુદા પ્રકારની કુલ 5482 ફરિયાદ વોટર વર્કસ વિભાગ સામે નાગરિકોએ નોંધાવી છે. કોર્પોરેશન ભલે ડીઆઇ પાઇપલાઇન, મીટરથી પાણી સહિતના આયોજનો કરે. પરંતુ લોકોને તો તેમના ઘરમાં કઇ રીતે પાણી આવે છે તેનાથી જ મતલબ હોય છે. લોકોને ઘરે શુદ્ધ અને પુરતુ પાણી ન મળે તો નર્મદા નીરની સમૃધ્ધિ અને કરોડોના આયોજનોમાં રસ પડવાનો સવાલ રહેતો નથી. તે હકીકત છે. ખુદ વોટર વર્કસ વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ મુખ્ય ચાર પ્રકારની 5482 ફરિયાદમાં 2420 ફરિયાદ તો માત્ર પાઇપલાઇન લીકેજની છે.
કરોડો રૂપિયાના ખર્ચે ડી.આઈ. પાઇપલાઇન નાખવાની કામગીરી
રાજકોટમાં પાલિકા અસ્તિત્વમાં આવી એટલી જુની પાણીની પાઇપલાઇન રહેલી છે. ખખડીને કટાઇ ગયેલી પાઇપલાઇનની લંબાઇ પણ ખૂબ છે. આ હાલતની પાઇપલાઇનમાંથી અવારનવાર પાણીનું લીકેજ, નાના મોટા ભંગાણ થતા રહે છે. મહાપાલિકાએ હવે જુની લાઇનના બદલે ડીઆઇ પાઇપલાઇન પાથરવાનો કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને 30 ટકા જેટલી કામગીરી પણ પૂરી થઇ છે. પરંતું જ્યાં સુધી પૂરેપુરી જુની લાઇન ન બદલાય ત્યાં સુધી પાણીનો બગાડ તંત્રના કારણે પણ થતો રહેશે તે હકીકત છે.
રાજકોટ પાણી માટે આત્મનિર્ભર
નર્મદા નીર અને સૌની યોજનાના ટેકાથી રાજકોટ પાણી માટે આત્મનિર્ભર બન્યું છે અને જ્યારે જરૂર પડે ત્યારે સરકાર આજી, ન્યારી, ભાદર ત્રણે ડેમમાં નીર ઠલવે છે. નબળી લાઇન સહિતના કારણોથી લોકોને ગંદુ પાણી મળ્યાની 1534 ફરિયાદ આ ત્રણ મહિનામાં કોલ સેન્ટરમાં નોંધાઇ છે. તો ધીમુ પાણી મળ્યાની કુલ 1411 ફરિયાદ છે. ઇલે. મોટર મુકીને પાણી ખેંચવાની 97 અને ગેરકાયદે નળ કનેકશનની 20 રાવ પણ નાગરિકોએ કરી છે.
આ વોર્ડમાં સૌથી વધુ તકલીફ
પાઇપલાઇન લીકેજની 2420 ફરિયાદો મળી છે. મવડીના વોર્ડ નં.12માં 326, જુના રાજકોટના વોર્ડ નં.7માં 272, કોઠારીયા રોડના વોર્ડ નં.18માં 235, વોર્ડ નં.11માં 231 યુનિ. રોડના વોર્ડ નં.10માં પણ આવી 200 ફરિયાદ રેકર્ડ પર છે.
લાઇન લીકેજની ફરિયાદ
- વોર્ડ નં.1માં 128
- વોર્ડ નં.2માં 58
- વોર્ડ નં.3માં 28
- વોર્ડ નં.4માં 133
- વોર્ડ નં.5માં 33
- વોર્ડ નં.6માં 31
- વોર્ડ નં.8માં 172
- વોર્ડ નં.9માં 118
- વોર્ડ નં.13માં 43
- વોર્ડ નં.14માં 154
- વોર્ડ નં.15માં 47
- વોર્ડ નં.16માં 39
- વોર્ડ નં.17માં 71
ગંદા પાણીમાં પણ જુના રાજકોટના વિસ્તારો વધુ તકલીફ ભોગવે છે. દૂષિત પાણી મળ્યાની સૌથી વધુ ફરિયાદ વોર્ડ નં.7માં ફરિયાદ નોંધાઈ છે. ભુતિયા નળમાં પણ વોર્ડ નં.11માં સૌથી વધુ પાંચ ફરિયાદ કોલ સેન્ટરમાં ત્રણ મહિનામાં નોંધાઇ હતી.