વડોદરામાં ભાજપના એક કાર્યકરે કલેક્ટરને કરી અરજી, કહ્યું- મને દારૂ વેંચવાની મંજૂરી આપો
આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે. છતાં રાજ્યમાં ઠેર ઠેર દારૂ પીવાય છે તે હકીકત છે. પરંતુ વડોદરાના સાંકરદામાં રહેતા એક ભાજપના નેતાએ દારૂને લઈને એક એવી માગ કરી છે જેને સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો.
વડોદરાઃ એક તરફ સરકાર રાજ્યમાંથી દારૂનું દુષણ ડામવા કડક પગલાં ભરી રહી છે. તેમ છતાં દારૂનું વેચાણ રાજ્યમાં ઠેર ઠેર થઈ રહ્યું છે. ત્યારે આ અંગે વધુ એક આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે. વડોદરાના સાંકરદા ગામમાં રહેતા સંજય પંચાલ નામના વ્યક્તિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને દારૂનો વેપાર કરવાની મંજૂરી માગી છે. સંજય પંચાલનું કહેવું છે કે તેના પર થયેલા અત્યાચાર મુદ્દે ન્યાય મેળવવા તે પાંચ વર્ષથી ભટકી રહ્યો છે. તેની પાસે રોજગારીનું કોઈ સાધન પણ ન હોવાનો દાવો કર્યો. ત્યારે તેને દારૂનો વેપાર કરવાની મંજૂરી આપવામાં આવે. દારૂના વેચાણની મંજૂરી માગનાર સંજય પંચાલ ભાજપ બક્ષીપંચ મોર્ચાનો મહામંત્રી પણ છે.
ભાજપના કાર્યકરે આ પ્રકારની માગ કરી હોવાથી સૌ કોઈને આશ્ચર્ય થયું છે. જો કે સંજય પંચાલની માગને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ માત્ર પબ્લિસિટી સ્ટંટ હોવાનું ગણાવ્યું અને જો હકીકત હશે તો પગલાં લેવાની પણ વાત કરી. તો કોંગ્રેસે આ અંગે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ છે.
ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી માટે સરકાર મથી રહી છે ત્યારે ભાજપના જ એક કાર્યકરે દારૂના વેચાણની મંજૂરી માગતા સૌ કોઈમાં આશ્ચર્ય ફેલાયું છે. સાથે જ ભાજપ કાર્યકરને રોજીરોટી કમાવવા દારૂના વેચાણની મંજૂરી માગવાની નોબત આવે તે પણ એક શરમજનક વાત કહી શકાય.