પાલીતાણા: પ્રચારમાં લાગેલા પીએમ નરેન્દ્ર મોદીએ આજે ભાવનગરના પાલીતાણામાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ ફરીએકવાર કોંગ્રેસ અને તેના રાજમાં થયેલા ભ્રષ્ટાચાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં તો કોંગ્રેસની યુપીએ સરકાર પાસે નર્મદા યોજના માટે અપીલ કરતા હતાં. પરંતુ કોંગ્રેસે નર્મદા યોજનાને રોકવાની કોશિશ કરી. પીએમ મોદીએ ગુજરાતમાં કાયદા વ્યવસ્થા પર કહ્યું કે ગુજરાતમાં ભાજપની સરકાર આવ્યાં બાદથી કોઈ  રમખાણો થયા નથી. તેમણે કહ્યું કે જો  ગુજરાતમાં કોંગ્રેસ આવી તો ગુજરાતમાં ફરીથી રમખાણો થવાના શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે કોંગ્રેસના રાજમાં ગુજરાતમાં 10માંથી 7 રથયાત્રાઓમાં સાંપ્રદાયિક હિંસા થતી હતી. હવે એવી સ્થિતિ નથી. તેમણે કહ્યું કે એકબાજુ જાતિવાદ અને ભ્રષ્ટાચાર છે જ્યારે બીજી બાજુ વિકાસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પીએમ મોદીએ કહ્યું કે પહેલા ગુજરાતમાં લોકો પાણી માટે વલખા મારતા હતાં કારણ કે કોંગ્રેસનો ધંધો ટેન્કરનો હતો. તેમણે કહ્યું કે 2014માં તેઓએ ગુજરાતના એક બાળકને પીએમ બનાવ્યો છે. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પીએમ મોદીએ કહ્યું કે પહેલા સિલિન્ડર લેવા માટે સાંસદના ઘરના ચક્કર કાપવા પડતા હતાં. તેમણે કેન્દ્રની ઉજ્જવલા યોજનાના વખાણ કરતા કહ્યું કે એક ચૂલ્હામાંથી લગભગ 400 સિગરેટ જેટલો ધુમાડો નિકળતો હતો જે મારી ગુજરાતની માતા અને બહેનોના શરીરમાં જતો હતો. 


પીએમ મોદીએ કહ્યું કે ઉજ્જવલા યોજના અંતર્ગત 5 કરોડ એપ્લિકેશન આવી જેમાંથી 3 કરોડ કનેક્શન અપાઈ  ગયા છે. તેમણે કહ્યું કે જેમણે એક કિલોમીટર કેનાલ પણ નથી બનાવી તેઓ આજે અમારી પાસે હિસાબ માંગી રહ્યાં છે.