અમદાવાદ: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલ  ભારતના પ્રવાસે છે. પીએમ નેતન્યાહૂએ પીએમ મોદી સાથે અમદાવાદ એરપોર્ટથી લઈને સાબરમતી સુધી 8 કિમી સુધીનો રોડ શો કર્યો. રોડ શો બાદ બંને નેતાઓ લગભગ 12 વાગ્યે સાબરમતીના ગાંધી આશ્રમ પહોંચ્યા હતાં. અહીં નેતન્યાહૂએ પત્ની સારા નેતન્યાહૂ સાથે ચરખો કાંત્યો અને ત્યારબાદ આશ્રમની મુલાકાત લીધી. નેતન્યાહૂએ પીએમ મોદી સાથે પતંગ ઉડાડવાની મજા પણ લીધી હતી. 


આશ્રમમાં બેન્જામિન નેતન્યાહૂએ પત્ની સારા નેતન્યાહૂ સાથે મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી. આશ્રમમાંથી વિદાય લેતા પહેલા વિઝિટર બુકમાં સંદેશો પણ લખ્યો. અત્રે જણાવવાનું કે તેઓ દુનિયાના ત્રીજા એવા નેતા છે જે માત્ર 40 જ મહિનામાં અમદાવાદની મુલાકાત લઈ રહ્યાં છે. નેતન્યાહૂના લગભગ 6 કલાકના રોકાણમાં તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથ આપશે. ઈઝરાયેલના વડાપ્રધાનના આ મુલાકાત દરમિાયન રોડ- શો, બાવળા ખાતેના આઈ-ક્રિયેટ સંસ્થાની મુલાકાત તથા પ્રાતિજના વદરાડ ગામે શાકભાજી ઉછેરના સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાત મુખ્ય રહેશે. નેતન્યાહૂ અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ ગુજરાતની મુલાકાત લીધી હતી.