હિતલ પારેખ/ગાંધીનગર :આજે ચૂંટણી પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્વનો દિવસ છે. બંને પક્ષો માટે મહત્વની ગણાતી સૌરાષ્ટ્રની બેઠકો માટે આજે પીએમ મોદી અને રાહુલ ગાંધી પ્રચાર કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે કોંગ્રેસના ગઢ ગણાતા અમરેલીમાં જાહેર સભાને સંબોધશે. તો રાહુલ ગાંધી બપોરે બે વાગ્યે જુનાગઢના વંથલીમાં અને ત્યાર બાદ ભૂજમાં ચૂંટણી સભાઓ સંબોધશે.


  • અમરેલીમાં પીએમ મોદીની સભા સવારે 11 કલાકે 

  • જુનાગઢના વંથલીમાં રાહુલ ગાંધીની બપોરે 2 કલાકે સભા

  • ભૂજમાં બપોરે 4 કલાકે રાહુલ ગાંધીની સભા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરેશ ધાનાણીના ગઢમાં પીએમ મોદીની સભા 
પીએમ મોદી આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં સભા સંબોધવા જઈ રહ્યાં છે. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલીમાં લોકસભા ચૂંટણીના ઉમેદવાર બન્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી કોંગ્રેસના ઘર તરીકે ઉભરી આવ્યું હતું. અમરેલીમાં હાલ લેઉવા પાટીદાર વર્સિસ લેઉવા પાટીદારનો જંગ છે. અમરેલી હાલ સૌરાષ્ટ્રની કાંટે કી ટક્કર સમી બેઠક હોવાથી પ્રધાનમંત્રી મોદીની સભા અસરકારક બની રહેશે. 


અમરેલી બેઠક માટે વિશેષ માહિતી


  • અમરેલી લોકસભા બેઠક પર આવતી 7 વિધાનસભા પૈકી 5 બેઠક પર કોંગ્રેસ અને ૨ બેઠક પર ભાજપનો કબજો છે. મહુવા અને ગારીઆધર બેઠક પર ભાજપનો કબજો છે. જ્યારે અમરેલી, લાઠી, ધારી, સાવરકુંડલા અને રાજુલા બેઠક પર કોંગ્રેસનો કબજો છે.

  • વર્ષ 1957 થી 1989 સુધી આ બેઠક પર કોંગ્રેસનો કબજો હતો. વર્ષ 1991 થી 2004 સુધી આ બેઠક પર ભાજપનો કબજો હતો.

  • આ બેઠક પર પાટીદાર સમાજ નિર્ણાયક સાબિત થઇ શકે છે.

  • આ વર્ષે અમરેલી બેઠક પર લેઉવા પટેલ સામે લેઉવા પટેલ વચ્ચે ચૂંટણીનો જંગ છે.

  • અમરેલી બેઠકમા આ વર્ષે કાંટે કી ટકર જોવા મળશે. ભાજપના ઉમેદવાર નારણ કાછડીયાને પક્ષ દ્વારા સતત ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ ના પરેશ ધાનાણી વિધાનસભા વિરોધ પક્ષના નેતા છે અને આ બેઠક પર તેઓ ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. ખેડૂતો અને રોજગારના પ્રશ્ને આ વિસ્તારમાં જનતાનો આક્રોશ હંમેશાથી જોવા મળ્યો છે.