ગાંધીનગર :પીએમ નરેન્દ્ર મોદી આગામી 18 જૂને ગુજરાત આવવાના છે. ત્યારે તેઓ વડોદરામા રોડ શો કરવાના હતા. ત્યારે તેમનો આ રોડ શો રદ કરવામા આવ્યો છે. પીએમ મોદીએ લોકોની ચિંતા કરીને રોડ શો રદ કરવાની જાહેરાત કરી છે. જોકે, તેમના 18 જૂનના કાર્યક્રમો રાબેતામુજબ રહેશે. જેમાં તેઓ પાવાગઢ મંદિરે ધજારોહણ કાર્યક્રમમાં હાજરી આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ટ્વીટ કરીને માહિતી આપી કે, દેશનાં નાગરિકોની પડખે રહી સદાય એમની કાળજી લેતા આપણાં યશસ્વી અને વંદનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18મી જૂને વડોદરા ખાતે બપોરે 12 કલાકે યોજાનારો રોડ શો શહેરનાં નાગરિકોને તકલીફ ના પડે એ ધ્યાનમાં રાખીને રદ કરવાની સૂચના આપી છે. પ્રજાની પડખે રહી, પ્રજાની સુખાકારીને સદાય કેન્દ્રમાં રાખી નિર્ણય લેનારા પ્રધાનમંત્રીનો હું આભાર વ્યક્ત કરું છું. 



ઉલ્લેખનીય છે કે, આતંકવાદી સંગઠન અલકાયદાએ દેશમાં હુમલાની ધમકી આપ્યા બાદ ગુજરાતભરમાં અલર્ટ અપાયું છે. આતંકી હુમલાના અલર્ટને પગલે ગુજરાત બોર્ડરે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત, દિલ્લી, મુંબઈમાં હુમલાની ધમકીને પગલે પોલીસ અલર્ટ થઈ ગઈ છે. ગુજરાતમાં આવતા તમામ વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે. જેમાં ખાસ કરીને, અંબાજી નજીક છાપરી બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી છે. છાપરી બોર્ડર પર હથિયારધારી પોલીસ તૈનાત છે. તો બીજી તરફ યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. મંદિરની સુરક્ષા માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે..હાઈ અલર્ટને પગલે દ્વારકા મંદિરમાં થ્રી લેયર સુરક્ષા રાખવાનો નિર્ણય કરાયો છે. હાલમાં દ્વારકા જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ બાજ નજર રાખી રહી છે. દ્વારકા મંદિરમાં CCTVથી પણ વોચ રાખવામાં આવી રહી છે. આતંકી હુમલાના અલર્ટને પગલે ઠેર ઠેર પોલીસ તૈનાત થઈ ગઈ છે.