અમદાવાદ: રાજ્યમાં 31 ઓક્ટોબરથી બે સ્થળેથી સી પ્લેન સેવા શરૂ થઇ રહી છે. 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રમ મોદી કેવડિયાથી સી પ્લેનમાં બેસીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આવવાનાં છે. જેના કારણે પીએમ મોદીનું 30 ઓક્ટોબરે સાંજે 3 વાગ્યે કેવડિયા હેલિપેડ ખાતે આગમન થવાનો કાર્યક્રમ નિર્ધારિત હતો. જો કે સી પ્લેનનાં ઉદ્ધાટનની તૈયારીઓ વચ્ચે ગુજરાતનાં રાજકીય ભીષ્મપિતામહ કેશુભાઇ પટેલનું નિધન થતા પીએમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવી શકે છે. તેઓ દિલ્હીથી સીધા કેવડિયા જવાના બદલે ગાંધીનગર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડાપ્રધાનનો કાર્યક્રમ થોડો વહેલો કરીને સવારે 10 વાગ્યે સીધા જ ગાંધીનગર આવે તેવી શક્યતા છે. તેઓ ગાંધીનગર આવીને બાપાના પરિવારને મળીને સાંત્વના પાઠવે તેવી શક્યતા છે. કેશુભાઇ પટેલના પરિવારજનોને મળ્યા બાદ પીએમ મોદી કેવડિયા જઇ શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેશુભાઇના નિધન અંગે શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ એક ત્રણ ટ્વીટ કરીને જણાવ્યું કે, 
(1) અમારા પ્રિય અને આદરણીય કેશુભાઇનું અવસાન થયું છે… હું ખૂબ દુ:ખી અને વ્યથિત છું. તેઓ સમાજના દરેક વર્ગની સંભાળ રાખનારા એક ઉતમ નેતા હતા. તેઓનું જીવન ગુજરાતની પ્રગતિ અને દરેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે સમર્પિત હતું.
(2) કેશુભાઇએ જનસંઘ અને ભાજપને મજબૂત કરવા ગુજરાતના ખૂણે ખૂણાનો પ્રવાસ કર્યો. તેમણે કટોકટીનો પુરી હિંમત અને મક્કમતાથી પ્રતિકાર કર્યો. ખેડૂતોનું હિત તેમના હૈયે વસેલું હતું. તેઓ ધારાસભ્ય, સાંસદ, મંત્રી કે મુખ્યમંત્રી, કોઈ પણ પદ પર હોય, હંમેશા ધ્યાન રાખ્યું કે ખેડૂતલક્ષી નિર્ણય થાય.
(3) મારા જેવા અનેક કાર્યકર્તાઓનું કેશુભાઈએ  માર્ગદર્શન કરી ઘડતર કર્યું. તેમના મિલનસાર સ્વભાવને કારણે ખુબ લોકપ્રિય હતા. તેમની વિદાયથી ભારે ખોટ પડી છે. એમના અવસાનથી આપણે સૌ ભારે ગ્લાની અનુભવીએ છીએ.તેમના પરિવારજનો અને હિતેચ્છુઓ પ્રતિ મારી સંવેદના. તેમના દીકરા ભરતભાઈ સાથે વાત કરી અને દિલસોજી વ્યક્ત કરી. ઓમ શાંતિ.

2017માં પુત્રના અવસાન સમયે પણ કેશુબાપા સાથે મુલાકાત યોજી હતી
આ અગાઉ 2017 ના સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે જાપાનના વડાપ્રધાન સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભુમિપુજન કરવા આવ્યા હતા. બુલેટ ટ્રેનનું ખાતમુહર્ત કરે તે પહેલા પીએમ મોદીએ વહેલી સવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના ઘરે પહોંચી તેમની સાથે મુલાકાત કરી પુત્ર પ્રવિણ પટેલના નિધન અંગે સાંત્વના પાઠવી હતી. 
આવો રહેશે કાર્યક્રમ...
30 ઓક્ટોબર
- વહેલી સવારે અમદાવાદ આવીને કેશુબાપાના પરિવાર સાથે મુલાકાત લઇ સાંત્વના પાઠવે તેવી શક્યતા
- માતા હિરા બા સાથે મુલાકાત યોજે તેવી શક્યતા
ત્યાર બાદ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ
- પ્રથમ જંગલ સફારી પાર્કનું ઉદ્ધાટન કરશે
- ફેરી બોટનું ઉદ્ધાટન કરશે
- ભારત ભવન, એક્તા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન, કેકટર્સ ગાર્ડન, એકતા નર્સરીનું પણ ઉદ્ધાટન કરશે.
- સાંજે 6 વાગ્યે કેવડિયા ખાતે જ તેઓ રાત્રી રોકાણ કરશે. 
31 ઓક્ટોબરનો સવારનો કાર્યક્રમ
- સવારે 7 વાગ્યે આરોગ્ય કાર્યક્રમનું ઉદ્ધાટન થશે.
- સવારે 07.30 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ચરણપુજન
- સવારે 8 વાગ્યે રાષ્ટ્રીય એકતા પરેડ ખાતે સલામી જીલશે
- સવારે 08.45 વાગ્યે રાષ્ટ્ર જોગ સંબોધન પણ કરશે
- સવારે 9 કલાક બાદ IAS અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદનું આયોજન
- તળાવ નંબર 3 પરથી સી પ્લેનનું ઉદ્ધાટન કરીને અમદાવાદ માટે રવાના થશે