મતદારો સાથે લાઈનમાં ઉભા રહીને PMએ આપ્યો વોટ, રાણીપમાં ભારે ભીડ ઉમટી
પીએમ મોદી રાણીપ ખાતેના તેમના મતદાન બૂથ પર પહોંચ્યા હતા. હંમેશની જેમ તેઓ માતા હીરા બાને આર્શીવાદ લેવાનું ચૂક્યા ન હતા, અને ત્યાર બાદ જ વોટ આપવા ગયા હતા. માતા હીરાબાએ તેમને ચુંદડી આપીને મોઢુ ગળુ કરાવ્યું હતુ અને સાથે જ પુત્રને જીત માટે આર્શીવાદ આપ્યા હતા.
અમદાવાદ :સવારના 7ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં પોતાના પક્ષને વિજયી અપાવવા માટે અને પોતાનો કિંમતી વોટ આપવા માટે તેઓ સોમવારે સાંજે જ ગુજરાત પહોંચી ગયા હતા. ગુજરાતની તમામ 26 બેઠકો માટે હાલ મતદાન પૂરજોશમાં શરૂ થયું છે, ત્યારે પીએમ મોદી રાણીપ ખાતેના તેમના મતદાન બૂથ પર પહોંચ્યા હતા. હંમેશની જેમ તેઓ માતા હીરા બાને આર્શીવાદ લેવાનું ચૂક્યા ન હતા, અને ત્યાર બાદ જ વોટ આપવા ગયા હતા. માતા હીરાબાએ તેમને ચુંદડી આપીને મોઢુ ગળુ કરાવ્યું હતુ અને સાથે જ પુત્રને જીત માટે આર્શીવાદ આપ્યા હતા. મતદાન આપ્યા બાદ તેમણે બહાર લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. જ્યાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી થઈ હતી.
માતા હીરા બાના આર્શીવાદ લઈને પીએમ મોદી પોતાના કાફલા સાથે રાણીપ મતદાન બૂથ પર પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે તેમનું સ્વાગત કર્યું હતું. મતદાન કેન્દ્ર સુધી અમિત શાહે તેમને સાથ આપ્યો હતો, જેના બાદ વડાપ્રધાન ખુદ મતદારો સાથે લાઈનમાં ઉભા રહ્યા હતા, જ્યાં તેમના હાથમાં પોતાનું વોટર આઈડી કાર્ટ હતુ. તેઓ મત આપીને બહાર નીકળ્યા, તે સાથે જ બહાર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.
મતદાન કર્યા બાદ તેમણે કહ્યું કે, મારું સૌભાગ્ય છે કે મને મારું કર્તવ્ય નિભાવવાની ગૌરવભરી પળ ગૃહરાજ્ય ગુજરાતમાં મત આપવાની તક મળી. જે રીતે કુંભના મેળામાં સ્નાન કરીને એક પવિત્ર આનંદ આવે છે. તેજ રીતે લોકતંત્રના આ મહાપર્વમાં મત આપીને હું તેવી અનુભૂતિ કરું છું. દેશના તમામ નાગરિકો ભાઈઓ બહેનોને આગ્રહ કરીશ કે તેઓ લોકતંત્રના આ પર્વમાં જ્યાં પણ મતદાન બાકી છે ત્યાં પૂરેપૂરા ઉત્સાહ અને એક ઉત્સવ તરીકે મતદાન કરે. મતદાન કોને કરે કે કોને ન કરે... ભારતના મતદાતા સમજદાર છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું તેની વિશેષતા આખી દુનિયા માટે એક અભ્યાસનો વિષય છે. દેશમાં નિર્ણાયક સરકાર બનાવવાની તેમની સક્રિય ભાગીદારીનું હું સ્વાગત કરું છું. પહેલીવાર જે લોકો મતદાન કરવા જઈ રહ્યાં છે તેમના માટે આ આખી સદી તેમની પોતાની સદી છે. આ સદીને ઉજ્વળ બનાવવા માટે તેમણે મતદાન કરવાનું છે. મતદારોને વિશેષ આગ્રહ છે કે તેઓ 100 ટકા મતદાનનો સંકલ્પ કરે અને મતદાન કરે. ભારતના લોકતંત્રની તાકાત છે કે દુનિયાને આપણે લોકતંત્રનું શું મહત્વ છે તે ઉદાહરણ સાથે રજુ કરીએ છીએ. એકબાજુ આતંકવાદનું શસ્ત્ર આઈઈડી હોય છે, અને લોકતંત્રનું શસ્ત્ર વોટર આઈડી હોય છે. વોટર આઈડીની તાકાત આઈઈડીની તાકાત કરતા અનેકગણી વધુ છે. તેનું મહત્વ સમજીને વધુમાં વધુ મતદાન કરીએ.
માતા હીરા બાનો આર્શીવાદ લેવાનું ક્યારેય ભૂલતા નથી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા પહેલા 98 વર્ષીય માતા હીરા બાના આશીર્વાદ લેવા જાય છે. ઉલ્લેખનીય છે કે, તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તમામ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારના ઉપયોગ કરતા પહેલા માતાના આશીર્વાદ લઈને મતદાન કરવા જતા હતા. 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ તેમણે આ ક્રમ જાળવી રાખ્યો હતો. ત્યારે આ વર્ષે પણ તેઓ સવારે માતા હીરા બાને મળવા પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ રાણીપ ખાતે આવ્યા હતા.
પીએમએ વોટ આપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે રાણીપની નિશાન સ્કૂલ ખાતે 118 નંબરના બૂથ પર મતદાન કર્યું હતું. તેમને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. જેને કારણે ગઈકાલથી જ મતદાન મથક આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. તેમની સુરક્ષા માટે SPG, ક્રાઈમ બ્રાન્ચ, SOG સહિતની એજન્સીઓ ખડકી દેવામાં આવી છે. તેમજ નજીકના વિસ્તારોમાં બેરીકેડિંગ કરવામાં આવ્યું છે.
વોટિંગ કર્યા બાદ હવે તેઓ દેશમાં ચોથા તબક્કાના મતદાન માટેના પ્રચાર માટે નીકળી જવાના છે.