PM મોદી ગુજરાતમાં કઈ તારીખે ક્યાં હશે? જાણો કયા વિસ્તારોને મળશે સૌથી મોટી ભેટ
PM Modi Gujarat Visit: આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલાં સરકાર દ્વારા વિવિધ વિકાસકાર્યોની ભેટ પ્રજાને આપવાનું આયોજન છે. જેમાં નવા વિકાસ પ્રોજેક્ટનું ભૂમિપૂજન, જ્યારે જૂના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાની પણ તૈયારીઓ થઈ રહી છે. એવામાં અનેક વિકાસકાર્યોની ભેટ પણ ગુજરાતને મળશે. જાણો સંપૂર્ણ કાર્યક્રમ વિગતવાર...
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલાં જ પીએમ મોદી ગુજરાતને વધુ એક મહત્ત્વની ભેટ આપી રહ્યાં છે.
ગુજરાતમાં કેટલાં વાગે ક્યાં હશે PM મોદી?
પ્રધાનમંત્રી 22મી ફેબ્રુઆરીનાં રોજ સવારે 10:45 વાગ્યે અમદાવાદમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સુવર્ણજયંતીની ઉજવણીમાં સહભાગી થશે. લગભગ 12:45 વાગ્યે પ્રધાનમંત્રી મહેસાણા પહોંચશે અને વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. પ્રધાનમંત્રી બપોરે લગભગ 1 વાગે માહેસાણાના તરાભમાં એક જાહેર સમારંભમાં સહભાગી થશે, જ્યાં તેઓ રૂ. 8,350 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો દેશને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સાંજે 4:15 વાગ્યે નવસારી પહોંચશે, જ્યાં તેઓ દેશને આશરે રૂ. 17,500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યો સમર્પિત કરશે, શિલાન્યાસ કરશે અને શુભારંભ કરાવશે. પ્રધાનમંત્રી સાંજે 6:15 વાગ્યે કાકરાપાર પરમાણુ વિદ્યુત મથકની મુલાકાત લેશે અને બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (પીએચડબલ્યુઆર) દેશને સમર્પિત કરશે.
પ્રધાનમંત્રી 23 ફેબ્રુઆરીનાં રોજ વારાણસીનાં બીએચયુનાં સ્વતંત્ર સભાગારમાં સંસદ સંસ્કૃત પ્રતિયોગિતાનાં વિજેતાઓને ઇનામ વિતરણ માટેનાં કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે સંત ગુરુ રવિદાસ જન્મસ્થળીમાં પૂજા અને દર્શન કરશે. પ્રધાનમંત્રી સવારે 11:30 કલાકે સંત ગુરુ રવિદાસની 647મી જન્મજયંતીની ઉજવણી આયોજિત જાહેર સમારંભમાં સામેલ થશે. બપોરે 1:45 વાગ્યે પ્રધાનમંત્રી એક જાહેર સમારંભમાં હાજરી આપશે, જ્યાં તેઓ વારાણસીમાં રૂ. 13,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી ગુજરાતમાં-
પ્રધાનમંત્રી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સુવર્ણ જયંતીની ઉજવણીમાં સહભાગી થશે. જીસીએમએમએફની સુવર્ણજયંતીની ઉજવણીમાં અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 1.25 લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે. જીસીએમએમએફ સહકારી મંડળીઓની સ્થિતિસ્થાપકતા, તેમની ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો અને ખેડૂતોનાં દ્રઢ દ્રઢ નિશ્ચયનો પુરાવો છે, જેણે અમૂલને દુનિયામાં સૌથી મજબૂત ડેરી બ્રાન્ડમાંની એક બનાવી દીધી છે.
મહેસાણા અને નવસારીમાં યોજાશે મોટા સમારોહઃ
ગુજરાતમાં મહેસાણા અને નવસારી ખાતે આયોજિત બે જાહેર સમારંભોમાં પ્રધાનમંત્રી રૂ. 22,850 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ્સમાં ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, આણંદ, માહેસણા, કચ્છ, ખેડા, ભરૂચ, તાપી, વડોદરા, સુરત, નવસારી, પંચમહાલ, વલસાડ અને નર્મદા જેવા જિલ્લાઓમાં માર્ગ, રેલ, ઊર્જા, આરોગ્ય, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, શહેરી વિકાસ, પાણી પુરવઠો, પ્રવાસન વગેરે જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.
8000 થી વધુ ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ ઈન્ટરનેટ અપાશેઃ
માહેસાણાના તરભમાં જાહેર સમારંભમાં પ્રધાનમંત્રી ભારત નેટ ફેઝ-2 - ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ સહિતનાં મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ દેશને અર્પણ કરશે, જે 8000થી વધારે ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરશે. માહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓમાં રેલવે લાઇન ડબલિંગ, ગેજ કન્વર્ઝન, નવી બ્રોડગેજ લાઇન માટે વિવિધ પ્રોજેક્ટ; ખેડા, ગાંધીનગર, અમદાવાદ અને માહેસાણામાં બહુવિધ રોડ પ્રોજેક્ટ્સ; ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનું મુખ્ય શૈક્ષણિક ભવન; બનાસકાંઠામાં પાણી પુરવઠાના અનેક પ્રોજેક્ટો વગેરેનો સમાવેશ થાય છે.
ગુજરાતના કયા જિલ્લામાં પીએમ મોદીનો શું કાર્યક્રમ છે?
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આણંદ જિલ્લામાં નવી જિલ્લા કક્ષાની હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલ સહિત કેટલીક મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. બનાસકાંઠામાં અંબાજી વિસ્તારમાં રિછડિયા મહાદેવ મંદિર અને તળાવનો વિકાસ; ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા અને માહેસાણામાં બહુવિધ રોડ પ્રોજેક્ટ્સ; એરફોર્સ સ્ટેશનનો રન-વે, ડીસા; અમદાવાદમાં હ્યુમન એન્ડ બાયોલોજિકલ સાયન્સ ગેલેરી; ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી)નું નવું બિલ્ડિંગ; ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં પાણી પુરવઠામાં સુધારો કરવા માટે વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે.
નવસારી જિલ્લાને શું ભેટ મળશે?
નવસારીમાં જાહેર સમારંભમાં પ્રધાનમંત્રી વડોદરા મુંબઈ એક્સપ્રેસવેનાં વિવિધ પેકેજીસ સહિત વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ દેશને અર્પણ કરશે. ભરૂચ, નવસારી, વલસાડમાં બહુવિધ માર્ગ પરિયોજનાઓ; તાપીમાં ગ્રામીણ પીવાના પાણી પુરવઠા યોજના; ભરૂચમાં ભૂગર્ભ ગટર યોજના, વગેરે. પ્રધાનમંત્રી નવસારીમાં પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ (પીએમ મિત્રા) પાર્કનાં નિર્માણ માટે કામગીરી શરૂ પણ કરશે.
કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ભરૂચ-દહેજ એક્સેસ કન્ટ્રોલ્ડ એક્સપ્રેસવેનાં નિર્માણ સહિત મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કરશે. એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા ખાતે બહુવિધ પ્રોજેક્ટ્સ; વડોદરામાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર; સુરત, વડોદરા અને પંચમહાલમાં રેલવે ગેજ કન્વર્ઝન માટેના પ્રોજેક્ટ્સ; ભરૂચ, નવસારી અને સુરતમાં બહુવિધ માર્ગ પરિયોજનાઓ; વલસાડમાં પાણી પુરવઠાની અનેક યોજનાઓ, શાળા અને છાત્રાલયનું નિર્માણ તથા નર્મદા જિલ્લામાં અન્ય યોજનાઓનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી કાકરાપાર અણુ વિદ્યુત મથક (કેએપીએસ) યુનિટ 3 અને યુનિટ 4 ખાતે બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (પીએચડબલ્યુઆર) દેશને સમર્પિત કરશે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (એનપીસીઆઈએલ) દ્વારા રૂ. 22,500 કરોડથી વધારેનાં ખર્ચે નિર્મિત કેએપીએસ-3 અને કેએપીએસ-4 પ્રોજેક્ટ્સની કુલ ક્ષમતા 1400 (700*2) મેગાવોટની છે અને તે સૌથી મોટી સ્વદેશી પીએચડબલ્યુઆર છે. તેઓ તેના પ્રકારના પ્રથમ રિએક્ટર્સ છે અને અદ્યતન સલામતી સુવિધાઓ સાથે વિશ્વના શ્રેષ્ઠ સાથે તુલનાત્મક છે. આ બંને રિએક્ટર મળીને દર વર્ષે લગભગ 10.4 અબજ યુનિટ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કરશે અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ જેવા અનેક રાજ્યોના ગ્રાહકોને લાભ આપશે.