સુરત કિલ્લામાં ફેરવાશે! આ રસ્તા બંધ રહેશે, PM ની સુરક્ષામાં `ચકલુ` પણ ન ફરકે તેવો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે સુરત આવી રહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે શહેર પોલીસના 3000 જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ,1800 હોમગાર્ડ સહિત 550 જેટલા ટીઆરબી જવાનો તૈનાત રહેવાના છે. સુરત એરપોર્ટ થી લઈ ડાયમંડ બુર્સ સુધી શહેર પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત રહેશે. પીએમ મોદીના બંને સ્થળો પરના આયોજિત કાર્યક્રમને લઈ શહેર પોલીસ દ્વારા`નો ડ્રોન ફ્લાય ઝોન `જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે બે જેટલા રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. વાહન ચાલકોને અગવડતા ના પડે તે માટે વૈક્લિપ રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે.
ઝી બ્યુરો/સુરત: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 મી ડિસેમ્બરના રોજ સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે. સુરત ખાતે આયોજિત બે વિવિધ કાર્યક્રમોમાં તેઓ વિશેષ રૂપથી હાજરી આપવાના છે. જેમાં સૌપ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 મી ડિસેમ્બરે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે. જે બાદ એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સુરત એરપોર્ટ થી તેઓ સીધા બાય રોડ ખજોદ સ્થિત ડાયમંડ બુર્સ જવા માટે રવાના થશે.જ્યાં ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યા બાદ દેશ-વિદેશથી આવેલા લોકોની વિશાળ જનમેદનીને સંબોધિત કરશે.
નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 3,000 જવાનો તૈનાત રહેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ સમગ્ર કાર્યક્રમને લઈને શહેર પોલીસ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 3,000 જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ,1800 હોમગાર્ડના જવાનો અને 550 ટ્રાફિક બ્રિગેડના જવાનો તૈનાત રહેવાના છે. એટલું જ નહીં પરંતુ પીએમ મોદીના કાર્યક્રમ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર"નો ડ્રોન ફ્લાય ઝોન"જાહેર કરી દેવામાં આવ્યો છે. આ અંગે સુરત પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર એચ.આર. ચૌધરી દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી છે
સુરત શહેર પોલીસ દ્વારા હંગામી જાહેરનામું બહાર પડાયું
જોઈન્ટ પોલીસ કમિશનર એચ.આર.ચૌધરીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, 17 મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી ના બે અલગ અલગ કાર્યક્રમો છે. જેમાં સૌપ્રથમ સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડીંગ અને ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થવાનું છે. જે બંને કાર્યક્રમો ને લઈ સવારે 8 કલાકથી લઈ કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાક પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે. આ માટે સુરત શહેર પોલીસ દ્વારા હંગામી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે જાહેરનામા મુજબ પીએમ મોદીના કાર્યક્રમ વિસ્તારમાં "નો ડ્રોન ફ્લાય ઝોન"જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 3000 પોલીસ અધિકારી-કર્મચારીઓ,1800 હોમગાર્ડના જવાનો અને 550 ટી.આર.બી ના જવાનો સુરક્ષા-બંદોબસ્તમાં રહેવાના છે.
વૈકલ્પિક રૂટ પણ જાહેર કરાયા
વધુમાં જોઈન્ટ પોલીસ કમિશનર એચ.આર .ચૌધરીએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના સુરત આગમનના પગલે બે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ તો એરપોર્ટ જતા પેસેન્જરો અને જીવન જરૂરિયાતના વાહનો માટે સુચારુ ટ્રાફિક સંચાલનની વ્યવસ્થા કરવામાં આવી છે.જે માટે બંને રૂટ ને લઈ ડાયવર્ઝન પણ આપવામાં આવ્યો છે. જેમાં ONGC ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન GIDC ગેટ નંબર એક સુધી આવતા -જતા વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે ડુમસ કુવાડવા ત્રણ રસ્તાથી એસ.કે.ચાર ચાર રસ્તા સુધી આવતા -જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જે સવારે આઠ કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલી રહેશે.આ માટે શહેર પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ પણ જાહેર કરાયા છે.
સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો,પલસાણા, કડોદરા ,કામરેજ, કીમ ચોકડી થી ડાબે ટર્ન લઈ સાયણ, વેલંજા, સાયણ ચેકપોસ્ટ, ઓએનજીસી ચાર રસ્તા થી હજીરા તરફ જઈ શકશે. જ્યારે પલસાણા સચિન તરફથી આવતા ભારે વાહનો સચિન સાતવલ્લા બ્રિજ નીચેથી સચિન જીઆઇડીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણી બાજુ ટર્ન લઈ ઉધના દરવાજા જઈ શકશે.આ સાથે ઉધના દરવાજા થી ડાબી ટર્ન લઈ રીંગરોડ ,અઠવાગેટ, ગુજરાત ગેસ સર્કલથી ડાબી ટર્ન લઈ પાલ પાટીયા, ઓએનજીસી ચાર રસ્તા થી હજીરા તરફ જઈ શકશે.
મોદીની સુરક્ષા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રૂપથી સજ્જ
ઉપરાંત હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો ઓએનજીસી ચાર રસ્તા બ્રિજ નીચેથી ડાબી ટર્ન લઈ સાયણ ચેકપોસ્ટ, વેલંજા,સાયણ, કીમ ચોકડી થી પલસાણા તરફ જઈ શકશે.પ્રધાનમંત્રી ના સુરત આગમનને લઈ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો ઉપર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રૂપથી સજ્જ છે.