પીએમ મોદીએ કચ્છના માલધારીઓને હિજરત ન કરવા અપીલ કરી, કહ્યું-હવે તમારા બાળકોને ભણાવો
PM Modi address in Kutch : કચ્છ જિલ્લાને આજે પ્રધાનમંત્રી મોદીના હસ્તે મોટી ભેટ મળી છે. આજે ભુજની કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયુ
ઝી મીડિયા/બ્યૂરો :કચ્છ જિલ્લાને આજે પ્રધાનમંત્રી મોદીના હસ્તે મોટી ભેટ મળી છે. આજે ભુજની કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયુ છે. ત્યારે ઓનલાઈન લોકાર્પણ પ્રસંગે પીએમ મોદીએ કચ્છના વિકાસની વાતો કરી હતી. સાથે જ ટુરિઝમનો વેગ કરવા કચ્છીઓને અપીલ કરી હતી. સાથે જ કચ્છી માલધારીઓને પાણી અને પશુપાલન માટે પોતાનુ વતન ન છોડીને હિજરત ન કરવા પણ અપીલ કરી હતી.
લોકાર્પણ કરીને તેમણે કહ્યુ હતુ કે, હું કચ્છીઓને અપીલ કરુ છું કે વિદેશમાં રહેતા કચ્છી ભાઈઓ દર વર્ષે પાંચ જણાને સમજાવે, અને ભારત ફરવા માટે આગ્રહ કરે. કચ્છને ટુરિઝમ માટે વિકસાવો. કોરોનાને કારણે ટુરિસ્ટ ઘટ્યા હતા. લોકોની મદદથી ફરી ટુરિઝમ સેક્ટર ઉભુ થઈ શકે છે. તેમજ માલધારી ભાઈઓ કચ્છમાં બેત્રણ મહિના રહીને બાકીના મહિના રોડ પર જતા જોવા મળે છે. આ બાબત આપણા કચ્છને ન શોભે. અનેક લોકો પાણીના કારણે કચ્છ છોડ્યુ હતું. જેથી કચ્છીઓ વિદેશ પહોંચ્યા હતા, પરંતુ કોઈની સામે હાથ ન લંબાવ્યો. પગભર થયા અને ત્યાં સમાજ કલ્યાણના કામ કર્યા. હવે જ્યારે માલધારીઓને વિનંતી છે કે, હવે કચ્છમાં પાણી અને લીલોતરી આવી છે. અહીં હવે જીરુ વાવવામાં આવે છે. કચ્છી કેરી વિદેશ જાય છે. કમલમ ફ્રુટ, ખજૂર વગેરે ઉગે છે. તો માલધારીઓને હિજરત કરવી પડે તે ન ચાલે. હવે તો ડેરી પણ થઈ ગઈ, તેથી તમારા માટે પાંચેય આંગળીઓ ઘીમાં હોય તેવા દિવસો આવ્યા છે. તેથી હિજરત બંધ કરીને બાળકોને ભણાવો. મને આ બાબતને વેદના રહે છે.
આ પણ વાંચો : કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલને AAP ની ઓફર, કહ્યું-અમારી સાથે જોડાવો, સાથે મળીને લડીએ
તેમણે કહ્યું કે, ભૂકંપની તબાહીને પાછળ છોડીને ભૂજ અને કચ્છના લોકો હવે પોતાના પરિશ્રમથી આ વિસ્તારનુ નવુ ભાગ્ય લખી રહ્યાં છે. આજે આ વિસ્તારમાં અનેક આધુનિક મેડિકલ સેવા મોજૂદ છે. જેથી આજે ભૂજને નવી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ મળી રહી છે. જે કચ્છની પહેલી સુવિધાયુક્ત હોસ્પિટલ છે. 200 બેડની આ હોસ્પિટલ કચ્છના લાખો લોકોને સસ્તી અને સારી સારવારની સુવિધા આપશે. સૈનિકોના પરિવાર, વેપાર જગતના લોકો માટે ફાયદાકારક સાબિત થશે. દેશમાં આજે ડઝનેક એઈમ્સની સાથે સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહી છે. દરેક જિલ્લામાં મેડિકલ કોલેજના નિર્માણનુ લક્ષ્ય હોય, મેડિકલ કોલેજ દરેકના પહોંચમાં હોય તે હેતુથી આગામી દસ વર્ષમાં રેકોર્ડ સંખ્યામાં નવા ડોક્ટર મળશે.
પીએમ મોદીએ કહ્યુ કે, સમાજ પ્રત્યે સંવેદના આપણી મોટી પુંજી છે. કચ્છની વિશેષતા છે કે કચ્છમાં આવીને તમે એના જેવા થઈ જાઓ. હવે કચ્છનો ક કતૃત્વના ક તરીકે ઓળખાય તેવી રીતે ડગ માંડો છો. કચ્છની દર્દનાક સ્થિતિ સમયથી મારો કચ્છ સાથે ગહેરો નાતો બન્યો. ગુજરાત ચારેય દિશામાં પ્રગતિ કરી રહ્યુ છે. ગુજરાતના વિકાસની વાત ગુજરાતમાં જ નહિ, પણ દેશમાં પણ તેની નોંધ લેવાઈ રહી છે. બે દાયકા પહેલા ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજ હતી. ગુજરાતના યુવાઓને ડોક્ટર થવા માટે માત્ર 1100 સીટ હતી. આજે એઈમ્સ અને ત્રણ ડઝનથી વધુ મેડિકલ કોલેજ છે. આજે 6000 વિદ્યાર્થીઓને ડોક્ટર બનાવવાની વ્યવસ્થા છે. 2021 માં 50 બેઠકો સાથે રાજકોટમાં એઈમ્સની શરૂઆત થઈ છે. મેડિકલ કોલેજના અપગ્રેડેશનનુ કામ ચાલી રહ્યુ છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 1500 બેડથી વધીને હવે ઘણી આગળ વધી ગઈ છે. કેન્સર, કિડની, કાર્ડિયોલોજિસ્ટ જેવી આધુનિક ટ્રીટમેન્ટ અહી થાય છે.
આ પણ વાંચો : ગુજરાત પર સંકટના વાદળો મંડરાયા, ચોમાસાને લઈને થઈ મોટી આગાહી
તેમણે લોકોને સ્વાસ્થય પર ધ્યાન આપતા કહ્યું કે, સ્વચ્છતા પર ધ્યાન આપો, તો હોસ્પિટલ જવાની જરૂર જ નહિ પડે. ગંદકીનું નામોનિશાન ન હોય તેવુ વાતાવરણ પેદા થાય તો બીમારીને પેસવા માટે રસ્તો ન મળે. તે જ રીતે પાણી શુદ્ધ પીવુ જોઈએ. કોરોનામાં જીત્યા કારણ કે, શરીર મજબૂત હતું. કોરોનાની સામે હજી પણ લડી રહ્યા છીએ. કોરોના હજી ગયો નથી. જંક ફૂડથી ન શરીરને લાભ થાય, ન સ્વાસ્થ્યને લાભ થાય. આહારમાં સંયમ રાખવુ બહુ જ જરૂરી છે. આજકાલ લોકોના વજન વધી રહ્યાં છે. ડાયાબિટીસનો રોગ ઘરે ઘરે પહોંચી રહ્યો છે. ડાયાબિટીસ દુનિયાભરની બીમારીને નિયંત્રણ આપે છે. શરીરને હલનચલન પણ એટલુ જ જરૂરી છે. સ્વાસ્થય માટેની મૂળભૂત બાબતો હોસ્પિટલ જવા જ ન દે. તે રીતે યોગા દિવસ દ્વારા મોટુ અભિયાન ચલાવીએ છીએ. કોરોનામાં આપણા યોગ અને આયુર્વેદ જ કામમાં આવ્યા છે.
આ પણ વાંચો : હવે મુંબઈ મોડલ પર કામ કરશે સુરત, આ રીતે દૂર કરશે રોડ પરથી લારીગલ્લા
ઉલ્લેખનીય છે કે, ભુજમાં 150 કરોડ રૂપિયાના ખર્ચે 12 એકરમાં ફેલાયેલી આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં 200 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો કચ્છી લેઉવા પટેલ ટ્રસ્ટ સંચાલિત કે.કે. સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત આજના કચ્છના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે હીલ ગાર્ડન એરપોર્ટ રોડ ભુજથી જિલ્લા પંચાયત આરોગ્ય શાળાએ ખરીદેલી 36 આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવશે.