આજે હીરાબાને ન મળી શક્યા પીએમ મોદી, પ્રવાસના અંતે ઘરે આવે તેવી શક્યતા
- પીએમ મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસના શિડ્યુલ સતત ચેન્જ થતા રહ્યા છે. અગાઉ તેઓ દિલ્હીથી સીધા કેવડિયા જવાના હતા. પરંતુ કેશુભાઈના નિધન થતા તેઓના કાર્યક્રમમાં બદલાવ થયો હતો.
ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રીના પદ પર બિરાજમાન થયા બાદ જ્યારે જ્યારે પીએમ મોદી (narendra modi) ગુજરાત આવ્યા છે ત્યારે ત્યારે તેઓએ માતા હીરાબાના આર્શીવાદ લીધા છે. તેઓ ગુજરાતના દરેક પ્રવાસ દરમિયાન માતા હીરાબાને મળવા હંમેશા પહોંચ્યા છે. જોકે, આજે તેઓ એરપોર્ટથી નીકળીને ગાંધીનગર ગયા હતા, જ્યાં તેઓ કેશુબાપા અને કનોડિયા પરિવારને મળ્યા હતા. પરંતુ આ મુલાકાતમાં તેઓ હીરાબાને મળે તેવી શક્યતા હતા. જોકે, તેઓ ગાંધીનગરથી સીધા જ કેવડિયા જવા રવાના થયા હતા.
ગાંધીનગરથી સીધા કેવડિયા નીકળી ગયા
પીએમ મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસના શિડ્યુલ સતત ચેન્જ થતા રહ્યા છે. અગાઉ તેઓ દિલ્હીથી સીધા કેવડિયા જવાના હતા. પરંતુ કેશુભાઈના નિધન થતા તેઓના કાર્યક્રમમાં બદલાવ થયો હતો. તેઓ કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપવા જવાના હતા. પરંતુ આજે સવારે તેમના શિડ્યુલમાં ફરીથી ચેન્જ આવ્યો હતો. તેમના શિડ્યુલમાં કનોડિયા પરિવારની મુલાકાત ઉમેરાઈ હતી. જોકે, આવામા તેઓ હીરાબાને મળવા જશે કે નહે તે નક્કી ન હતું. હીરાબાને મળવાનુ તેમના શિડ્યુલમાં ન હતુ. પરંતુ તેઓ મળવા જાય તે શક્યતાથી હીરાબાના ઘરની બહાર સિક્યુરિટી ગોઠવાઈ હતી. જોકે, કેશુબાપા અને કનોડિયા પરિવારને સાંત્વના આપીને પીએમ મોદી કેવડિયા જવા રવાના થયા હતા. પરંતુ ગુજરાતના પ્રવાસમાં તેઓ હીરાબાને મળવાનો ક્રમ જાળવશે તેવું સૂત્રોનું કહેવું છે. તેઓ વળતા હીરાબાને મળવા જાય તેવી શ્કયતા છે.
કેવડિયામાં શુ કરશે
કેવડિયામાં પીએમ મોદી વિકાસ કામોના વિવિધ 17 જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમજ નવા 4 પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરશે. તેઓ જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરશે. એટલું જ નહિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની ૪૦ મિનીટની રાઈડમાં બેસતા પહેલાં પીએમ મોદી અન્ય 9 પ્રોજેક્ટ્સના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે. જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), નેવિગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેકટનો સમાવેશ થાય છે.