Raksha Bandhan 2023 અતુલ તિવારી/અમદાવાદ : દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના ધર્મના બહેન રાખડી બાંધશે. સતત 29માં વર્ષે પીએમ મોદીને તેમના ધર્મના બહેન રાખડી બાંધશે. કમર મોહસીન શેખ દ્વારા પીએમ મોદીને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા 28મીએ બપોરે દિલ્લી જવા કમર મોહસીન શેખ રવાના થશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતે પોતાના હાથે કમર મોહસીન શેખે પીએમ માટે રાખડી જાતે તૈયાર કરી છે, રાખડીની વચ્ચે આંખ મુકવામાં આવી છે જેનો હેતુ છે કે પીએમ મોદીને કોઈની નજર ના લાગે. પીએમ મોદીને રાખડી ઉપરાંત કમર શેખ એગ્રીકલચર પર લખાયેલી "સંઘર્ષ કા સુખ" નામની બુક પણ આપશે. 


કમર શેખ છેલ્લા 28 વર્ષથી પીએમ નરેન્દ્ર મોદીને રાખડી બાંધી રહ્યાં છે. છેલ્લા 3 વર્ષથી કોરોનાના કારણે મોહસીન શેખ પીએમને રાખડી બાંધવા રૂબરૂ નથી જઈ શક્યા. મૂળ પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા કમર મોહસીન શેખ પોતાના લગ્ન બાદ ભારતમાં સ્થાયી થયા હતા, છેલ્લા 42 વર્ષથી તેઓ ભારતમાં વસવાટ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કમર મોહસીન શેખને ધર્મના બહેન માને છે.


કમર મોહસીન શેખે ઝી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, એક બહેન તરીકે મારા ભાઈને મારા આશીર્વાદ છે. આગામી લોકસભા ચૂંટણીમાં પણ તેઓ વિજયી થાય અને ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બને એવી શુભેચ્છાઓ. પીએમ મોદીને નોબલ પ્રાઈઝ મળે તેવી દુઆ કરું છું


કમર મોહસીન શેખે કહ્યું કે, વર્ષ 1986થી પીએમ મોદી સાથે અમારો નાતો રહ્યો છે. રાજ્યપાલ ડોકટર સ્વરૂપસિંહે એરપોર્ટથી રવાના થઈ રહ્યા હતા ત્યારે પીએમ મોદીને તેમણે કહ્યું હતું કે કમર મોહસીન શેખ મારી દીકરી છે એ સમયે મોદીજીએ કહ્યું હતું તો આજથી કમર મોહસીન શેખ મારા બહેન છે. ત્યારથી રક્ષાબંધનના પર્વની ઉજવણી અમે ભાઈ બહેન તરીકે કરી રહ્યા છીએ. 


કમર મોહસીન શેખે કહ્યું કે, પીએમ મોદી જ્યારે એક સામાન્ય સંઘના કાર્યકર હતા તે સમયે પહેલીવાર રાખડી બાંધી અને મેં કહ્યું હતું કે આપ ગુજરાતના સીએમ બનો એવી દુઆ છે, ત્યારે તેઓ હસી પડ્યા હતા. ત્યારબાદ તેઓ સીએમ બન્યા અને રક્ષાબંધન વખતે તેમણે કહ્યું હતું કે હવે તમારી શુ દુઆ છે ત્યારે મેં કહ્યું હતું કે આપ દેશ પીએમ બનો અને એ સમયે પણ તેઓ હસી પડ્યા હતા. પછી રક્ષાબંધનમાં હું ગઈ ત્યારે પીએમ મોદીએ કહ્યું કે હવે શું દુઆ છે તમારી, મેં કહ્યું કે આપ વિશ્વમાં છવાઈ જાઓ. તેઓ બીજીવાર પીએમ બન્યા અને હજુય વર્ષ 2024 લોકસભામાં તેઓ ભવ્ય વિજય મેળવે અને ફરી પીએમ બને એવી શુભકામનાઓ.