ચાર રાજ્યોમાં ભવ્ય જીત બાદ આજે પીએમ મોદી ગુજરાતમાં, ચૂંટણીનું રણશિંગૂ ફૂંકશે
- ગુજરાત:આજે વડાપ્રધાન મોદીનો એરપોર્ટથી કમલમ સુધીનો રોડ શો
- 4 લાખ લોકો PM મોદીનું ભવ્ય સ્વાગત કરશે
- પ્રધાનમંત્રી મોદી બે દિવસના પ્રવાસ દરમ્યાન ભાજપના નેતાઓ સાથે કરશે બેઠક
- વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ ઘડશે
ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું ભવ્ય સ્વાગત થશે. એરપોર્ટથી કમલમ સુધી PM મોદીનો યોજાશે ભવ્ય રોડ-શો યોજાવાનો છે. જેના બાદ પ્રદેશ કાર્યાલય કમલમમાં ગુજરાત ભાજપના 500 નેતાઓ સાથે PMની બેઠક યોજાશે. આ ઉપરાંત GMDCમાં PM મોદી પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે.
પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આ મુલાકાત કેટલી મહત્વની છે તેના પર નજર કરીએ તો, 2022ની વિધાનસભાની ચૂંટણીની રણનીતિ નક્કી થશે. અમદાવાદથી વિધાનસભા ચૂંટણીનું રણશિંગૂ ફૂંકશે. જેની શરૂઆત તે જીએમડીસી ગ્રાઉન્ડથી ભાજપના પ્રચારથી કરશે. અહીંયા પ્રધાનમંત્રી દોઢ લાખ કાર્યકરોને ગુજરાતની ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે. તો કમલમમાં ગુજરાતના નેતા અને ધારાસભ્યોને જીતનો મંત્ર શીખવશે. આ સિવાય મારું ગામ, મારું ગુજરાત થીમથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરાવશે. જ્યારે સરકારની યોજનાઓને ગામે-ગામ લઈ જવાના કાર્યક્રમ માટે માર્ગદર્શન આપશે. જેના દ્વારા ગુજરાતમાં મિશન માટેની રણનીતિ ઘડવામાં આવશે. પ્રધાનમંત્રી 4 રાજ્યોની ચૂંટણીના પરિણામોના આધારે ગુજરાતમાં રણનીતિ ઘડશે.
પીએમની મુલાકાતથી પોલીસ એલર્ટ મોડમાં
પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ અંગે અમદાવાદ પોલીસ અલર્ટ થઈ છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં સરદાર પટેલ સ્ટેન્ડિયમમાં 1 IG, 1 DIG, 5 DCP, 9 ACP, 35 PI, 157 PSI અને 615 હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 822 જવાનો તૈનાત રહેશે. જ્યારે કે, GMDC ગ્રાઉન્ડમાં 1 IG, 11 DCP, 15 ACP, 48 PI, 163 PSI, 1615 હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 1853 જવાનો તૈનાત રહેશે. તો અમદાવાદ એરપોર્ટ પર 1 IG, 3 DCP, 4 ACP, 12 PI, 50 PSI, 800 કોન્સ્ટેબલ સહિત 870 જવાનો તૈનાત રહેશે.