વ્યસ્તતા વચ્ચે PM મોદીએ હીરાબાના લીધા આર્શીવાદ, ત્યાર બાદનું આવું છે તેમનું શિડ્યુલ
હાલ તેઓ વાઈબ્રન્ટ સમિટને કારણે ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. સમિટની વ્યવસ્તતા વચ્ચે તેઓ શનિવારે વહેલી સવારે હીરાબાને મળવા પહોંચ્યા હતા. પીએમ મોદી ગાંધીનગર નિવાસસ્થાને તેમની માતાને મળ્યા હતા. તેમજ પરિવારનાં સદસ્યો સાથે પણ વાતચીત કરી હતી.
અમદાવાદ : ગુજરાતમાં મુલાકાત દરમિયાન પોતાની ગમે તેટલી વ્યસ્તતામાં પણ પીએમ મોદી પોતાની માતા હીરાબાને મળવાનું ચૂકતા નથી. તેઓ પોતાના દિવસની શરૂઆત પહેલા જ માતા હીરા બાને મળવા જાય છે. ત્યારે હાલ તેઓ વાઈબ્રન્ટ સમિટને કારણે ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. સમિટની વ્યવસ્તતા વચ્ચે તેઓ શનિવારે વહેલી સવારે હીરાબાને મળવા પહોંચ્યા હતા. પીએમ મોદી ગાંધીનગર નિવાસસ્થાને તેમની માતાને મળ્યા હતા. તેમજ પરિવારનાં સદસ્યો સાથે પણ વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ માતા હિરાબા સાથે મુલાકાત કરી હતી. તેમણે માતા હિરાબાનાં આશિર્વાદ મેળવ્યા હતા. લગભગ 30 મિનિટ સુધી પ્રધાનમંત્રી મોદીએ હિરાબા સહિત પરિવાર સાથે વાતચીત કરી હતી. ગાંધીનગરનાં રાયસણ સ્થિત નિવાસસ્થાને તેમની મુલાકાતને લઈને વૃંદાવન બંગલોની આસપાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ હતી.
આવો છે આજનો તેમનો શિડ્યુલ
મહાત્મા મંદિર ખાતે આફ્રિકા ડેની ઉજવણીમાં હાજરી આપ્યા બાદ પ્રધાનમંત્રી ગાંધીનગર રાજભવનથી અમદાવાદ જશે. 11 વાગ્યે તેઓ અમદાવાદ પહોંચશે અને 11-30 વાગ્યે અમદાવાદથી હેલિકોપ્ટરમાં સુરત જવા રવાના થશે. સુરતમાં K-9 વજ્ર ટેન્ક સૈન્યને અર્પણ કર્યા બાદ 12.25 મિનિટે સેલવાસ જવા નીકળશે, જ્યાં મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરશે. તો આ સિવાય તેઓ સાંજના સમયે મુંબઈમાં પેડ્ડાર રોડ પર ફિલ્મ્સ ડિવિઝન ઓફિસ કોમ્પલેક્સ ખાતે નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમાનું ઉદઘાટન કરવાના છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બીજી વખત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાત લેશે. જેમાં તેઓ દમણ અને દાદરાનગર હવેલીમાં 200 કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ કરવાના છે. પ્રધાનમંત્રી સેલવાસના સાયલી ખાતે પોલીસ ટ્રેનિંગ કેમ્પસની બાજુમાં એક વિશાળ જાહેર સભાને સંબોધન કરશે. ત્યારે તેને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ તેમના તમામ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરથી સુરત આવશે અને સેનાને K9 વજ્ર ટેન્ક અર્પણ કરશે.
પીએમ મોદી દાદરા નગર હવેલીમાં જે કામગીરીનું લોકાર્પણ કરશે, તેમાં ઝરી કચી ગામ સેતુ, મોટા દમણની પ્રોટેક્શન વોલ, દમણનો સિવરેજ પ્લાન્ટ, મોટા દમણનું ઓફિસ કોમ્પલેક્સ અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે. તો આ તરફ દાદરાનગર હવેલીમાં નરોલી અને સામાર વરણી વોટર સપ્લાય યોજના, અંતરિયાળ વિસ્તારોમાં હેલ્થ અને વેલનેસ સેન્ટર, દમણગંગા રિવર ફ્રન્ટ યોજના, સેલવાસનો સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ સેલવાસ નગરપાલિકા ભવનનું લોકાર્પણ કરશે. જ્યારે કે, ત્રણેય પ્રદેશ માટે સાયલીમાં બનનારી 150 બેડની આધુનિક મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે.
પીએમ મોદીના આગમનને પગલે દાદરા નગર હવેલીમાં ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસનો કાફલો તૈનાત કરાયો છે. જ્યારે 12 પેરામિલિટ્રી ફોર્સ, 7 SP, 21 DySP છે. મહારાષ્ટ્રના 350 અને ગુજરાતના 250 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે.