સુરતની ઘટનાથી પીએમ મોદી ખુબ વ્યથિત, આપ્યું મોટું નિવેદન
લોકસભા ચૂંટણીમાં એકવાર ફરીથી પ્રચંડ બહુમત હાંસલ કર્યા બાદ નરેન્દ્ર મોદી જ્યારે રવિવારે પહેલીવાર પોતાના ગૃહ રાજ્ય ગુજરાત પહોંચ્યાં ત્યારે તેમના ભાષણમાં સુરતના હચમચાવી નાખે તેવા અગ્નિકાંડ અંગેની વ્યથા સ્પષ્ટરીતે જોવા મળી
અમદાવાદ: લોકસભા ચૂંટણીમાં એકવાર ફરીથી પ્રચંડ બહુમત હાંસલ કર્યા બાદ નરેન્દ્ર મોદી જ્યારે રવિવારે પહેલીવાર પોતાના ગૃહ રાજ્ય ગુજરાત પહોંચ્યાં ત્યારે તેમના ભાષણમાં સુરતના હચમચાવી નાખે તેવા અગ્નિકાંડ અંગેની વ્યથા સ્પષ્ટરીતે જોવા મળી. અમદાવાદમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પ્યા બાદ ખાનપુર સ્થિત ભાજપ ઓફિસની બહાર જનમેદનીને સંબોધન કરતા પીએમ મોદીએ સૌ પ્રથમ સુરતના આગકાંડ પર દુ:ખ અને શોક વ્યક્ત કર્યાં. તેમણે કહ્યું કે તેઓ ગઈ કાલથી ખુબ દુવિધામાં હતાં કે રવિવારે તેઓ ગુજરાતમાં પાર્ટીના કાર્યક્રમમાં ભાગ લે કે ન લે. એકબાજુ કર્તવ્ય હતું તો એક બાજુ કરુણા. અગ્નિકાંડમાં માર્યા ગયેલા બાળકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે રાજ્યની સરકાર એ સુનિશ્ચિત કરવાના ઉપાય કરી રહી છે કે આ પ્રકારની ઘટના ફરીથી ન ઘટે.
સુરતના અગ્નિકાંડ પર ખુબ વ્યથિત થયા પીએમ મોદી
સુરતની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે હું ગઈ કાલથી દુવિધામાં હતો કે આ કાર્યક્રમમાં આવું કે નહીં. એક બાજુ કર્તવ્ય હતું તો બીજી બાજુ કરુણા. જે પરિવારોએ પોતાના બાળકો ગુમાવ્યાં, પોતાનું ભવિષ્ય ગુમાવ્યું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે પરિવારોને શક્તિ આપે. દુર્ઘટના અંગે હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં હતો. મેં રાજ્ય સરકારને નિર્દેશ આપ્યાં કે ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તે માટે એક તંત્ર બનાવવામાં આવે. ચૂંટણીમાં આટલી મોટી સિદ્ધિ મળ્યા બાદ માતૃભૂમિની માટી માથે ચડાવવા ન આવ્યો હોત તો યોગ્ય ન હોત. ચૂંટણી બાદ માતાના પણ આશીર્વાદ લેવાના હતાં.